કંડલામાં ટેન્કર હડફેટે યુવાન બાઈક ચાલકને કાળ આંબી ગયો

ગાંધીધામ, તા. 22 : કંડલામાં રેલવે ફાટક નજીક ટેન્કરની હડફેટે ચડતાં બાઈક ચાલક બિસેશ્વરચંદ્ર બંકિમચંદ્ર (ઉ.વ. 37) નામના યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ ભુજના દહીંસરામાં દાઝી જનારા ખતુબેન રમજાન હિંગોરજા (ઉ.વ. 70)એ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. ગાંધીધામમાં રહેનારા તથા યોગી સિક્યુરિટીમાં સુપરવાઈઝર તરીકે કામ કરનારા બિસેશ્વરચંદ્ર આજે બપોરે કંડલા હતા. તેઓ બાઈક નંબર જી જે 12 બી એફ 3979 લઈને સિક્યુરિટીના પોઈન્ટ તપાસવા નીકળ્યા હતો. બપોરે 3.15ના અરસામાં એક પોઈન્ટથી બીજા પોઈન્ટ ઉપર જતી વેળાએ આઈ.એમ.સી. કંપની સામે રેલવે ફાટક પાસે તેમને અકસ્માત નડયો હતો. ધસમસતા આવતા ટેન્કર નંબર જીજે 12 બીડબલ્યુ 5584એ બાઈકને હડફેટમાં લેતાં આ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં તેનું મોત થયું હતું. બીજી બાજુ દહીંસરામાં રહેતા ખતુબેન ગઈકાલે સવારે પોતાના ઘરે દાઝી ગયા હતા. આ વૃદ્ધા પોતાના ઘરે એકલા હતા ત્યારે અકસ્માતે દાઝી જતાં તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોડી રાત્રે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer