બોગસ લોનના 395 કેસમાંયે ફોજદારીની તજવીજ

મુંદરા, તા. 22 (પ્રતિનિધિ દ્વારા) : અબડાસાના વિંઝાણની જમીનના મુદ્દે સંખ્યાબંધ ઘટનાક્રમના અંતે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ સપાટી ઉપર આવતાં 395 બોગસ લોન કિસ્સાની ફરિયાદના આધારે તંત્રે વધુ પોલીસ ફરિયાદ કરવાનું આયોજન ઘડી કાઢ્યું છે. વિશ્વસનીય સૂત્રો જણાવે છે કે, કુલ 70થી 75 ગામની અને જુદી જુદી 13 બેંકોએ કરેલા કરોડોના બોગસ લોન કૌભાંડની છાનબીન અત્યંત ખાનગીરાહે અત્યારે ચાલી રહી છે. જેથી આવનારો સમય ભળતી જમીન, બોગસ દસ્તાવેજો, ફર્જી પાવરનામા અને જમીન માલિકની જાણ બહાર બારોબાર ઉપાડવામાં આવેલી લોનનું અત્યંત ગૂંચવાયેલા કોયડાની ગૂથી ઉકેલવામાં તંત્રે વ્યાયામ શરૂ કર્યો છે. અખિલ ભારત ભ્રષ્ટાચાર એવમ્અ પરાધ નિવારણ પરિષદ દ્વારા બોગસ લોન પ્રકરણે કરેલી સંખ્યાબંધ ફરિયાદોમાં હવે જોવાનું એ રહે છે કે ફોજદારી ફરિયાદ કેટલા કિસ્સામાં અને કોની વિરુદ્ધ દાખલ થાય છે. અન્ય સૂત્રો એમ જણાવે છે કે, છેલ્લા લાંબા સમયથી કચ્છની ખાસ કરીને અબડાસા, લખપત, નખત્રાણા અને માંડવી તાલુકાની જમીન ઉપર બેંકોના અધિકારી અને જે તે સમયના મામલતદારને પલાળીને કરોડો રૂા.નું ધિરાણ મેળવવામાં આવ્યું હતું અને ફરિયાદને એક યા બીજા પ્રકારે દાબી દેવામાં આવી હતી. અન્ય વિગત એ પણ જાણવા મળી છે કે ઇ.સ. 1971માં સોઢા નિરાશ્રિતોને જે જમીન ફાળવવામાં આવી હતી તે જમીન દુષ્કાળના સમયે સરકારને પરત સોંપી દેવામાં આવી હતી. પરંતુ ફાળવાયેલી જમીનની એન્ટ્રીઓ ખુલ્લી પડી હતી. જે નોંધો ખુલ્લી પડી હતી તેનો ભરપૂર દુરુપયોગ થઇ ચૂક્યો હોવાની ફરિયાદો પણ ઊઠી છે. વિંઝાણની મુખ્ય ફરિયાદ સાથે અન્ય એ જ પ્રકારની 10 ફરિયાદોને પણ આવરી લેવામાં આવી છે, જ્યારે કે.ડી.સી.સી. બેંક જમીનનું કથિત કૌભાંડ 22 હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer