મેચ હારીને પણ દિલ જીતી ગયો ધોની

બેંગ્લોર, તા. 21 : આઇપીએલની 39મી મેચમાં આજે રાતે ચેન્નાઇ સુપર કિંગ્સને છેલ્લા દડે 1 દડામાં જીતવા બે રનની જરૂર હતી, પરંતુ સામે છેડે રહેલો બેટધર ઠાકુર રનઆઉટ થતાં કપ્તાન ધોનીએ 48 દડામાં 7 છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે કિનારે લઇ આવેલી જીત છીનવાઇ ગઇ હતી. ટોસ હારીને દાવમાં આવેલી બેંગ્લોરની ટીમે આપેલું 162 રનના જીતના લક્ષ્ય સામે ચેન્નાઇની 4 ઓવરમાં 17 રને  ત્રણ?વિકેટો પડી જતાં જીતની આશા જ ખતમ થઇ હતી, પરંતુ રાયડુએ થોડું ટકીને 29 રનના સહયોગ સાથે કપ્તાન ધોનીએ ધોકાબાજી કરતાં જીત નજીક આવી ગઇ હતી. જાડેજાએ 11 રન કર્યા હતા. જોકે, છેલ્લે 1 દડો બાકી હતો  ત્યારે  સામે છેડે રહેલો ઠાકુર રન આઉટ થતાં મેચને ટાઇ પણ કરાવી  ન શકાઇ અને ટીમ 8 વિકેટે 160 રન બનાવી શકી હતી. આરંભમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને લક્ષ્યાંકનો પીછો કરવાનો ફેંસલો કરતાં પોઈન્ટ ટેબલ પર ટોચની ટીમ સામે જીતવાના જુસ્સા સાથે મેદાન પર ઊતરેલી તળિયાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન કર્યા હતા. ત્રીજી ઓવરમાં જ માત્ર 11 રને સુકાની વિરાટ કોહલી (9)ના રૂપમાં પહેલી વિકેટ ખોઈ દીધા પછી પાર્થિવ પટેલે સ્કોરબોર્ડને ગતિ આપવાના પ્રયાસરૂપે અર્ધસદી કરી હતી. પાર્થિવે 37 દડામાં 2 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 53 રન કર્યા હતા. પછી બ્રાવોનો બોલ રમવામાં થાપ ખાઈ જતાં વોટસનને કેચ આપીને વિકેટ ખોઈ બેઠો હતો. મોઈન અલીએ 16 દડામાં પ ચોગ્ગા સાથે 26 રન કર્યા હતા, એબી ડિવિલિયર્સે 19 દડામાં 3 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 25, અક્સદીપ નાથે 20 દડામાં 1 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 24 રન કર્યા હતા. સમગ્ર દાવ દરમ્યાન કોઈ જોડી લાંબી ભાગીદારી નોંધાવી શકી નહોતી, પરંતુ પટેલ સિવાયના અન્ય ત્રણ ખેલાડીઓએ થોડું-થોડું યોગદાન આપતાં ટીમ 161ના ઠીક કહી શકાય તેટલા સ્કોર સુધી પહોંચી શકી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer