ખૂનના પ્રયાસ અને બાઇકની ચોરીના કેસમાં ભાગેડુ બે આરોપીને દબોચાયા

ભુજ, તા. 21 : એટ્રોસિટી ધારા સાથેના હત્યાના પ્રયાસના ફોજદારી કેસમાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા-ફરતા ભુજના અનશ મહમદહુશેન સમેજા તથા બાઇકની તસ્કરીના ગત વર્ષના પ્રકરણમાં ભાગેડુ એવા તાલુકાના મિરજાપર ગામના વિરાજ સુરેશભાઇ જોષીને પશ્ચિમ કચ્છ પોલીસદળની જિલ્લા પેરોલ ફરલો સ્કવોડ દ્વારા પકડી પડાયા હતા. સત્તાવાર સાધનો પાસેથી મળેલી જાણકારી મુજબ ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી સહિતની કલમો તળેના કેસમાં છેલ્લા પાંચ મહિનાથી કાયદાના રક્ષકોના હાથમાં ન આવતા ભુજના કેમ્પ વિસ્તારમાં પવનચકકી નજીક રહેતા અનશ સમેજાને પકડી લેવાયો હતો અને સબંધિત પોલીસ મથકને સુપરત કરાયો હતો. સ્કવોડ દ્વારા હેડ કોન્સ્ટેબલ દિનેશ ગઢવીને મળેલી બાતમી બાદ આ તહોમતદારને દબોચાયો હતો. જ્યારે ભુજ એ. ડિવિઝન પોલીસ મથકમાં જ વર્ષ 2018 દરમ્યાન દાખલ થયેલા બાઇકની ચોરીના કિસ્સામાં મિરજાપરના વિરાજ જોષીની ધરપકડ પણ સ્કવોડે કરી હતી. હેડ કોન્સ્ટેબલ દિનેશ ખીમકરણ ગઢવી અને કોન્સ્ટેબલ વીરેન્દ્રાસિંહ પરમારને મળેલી સંયુકત બાતમી બાદ મીરજાપર ત્રણ રસ્તા ખાતેથી તહોમતદારની ધરપકડ કરઇ હતી. સ્કવોડના ફોજદાર એસ.એ. મહેડુની આગેવાની તળે સ્ટાફના સભ્યો આ કામગીરીમાં જોડાયા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer