લોકશાહીના પર્વની તૈયારીને તંત્ર દ્વારા આખરી ઓપ

લોકશાહીના પર્વની તૈયારીને તંત્ર દ્વારા આખરી ઓપ
ભુજ, તા. 21 : કચ્છ-મોરબીમાં લોકસભા ચૂંટણીના પડઘમ આજથી શાંત થયા અને તા. 23/4 મંગળવારે 17,43,825 મતદારો લોકશાહીના પર્વે ચૂંટણી યજ્ઞામાં આહુતિ આપશે. આ પર્વને વિના વિઘ્ને પાર પાડવા ચૂંટણી શાખા દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.  આ અંગે મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિએ માહિતી આપતાં જણાવ્યું કે, હાલમાં તમામ સ્ટાફની એઆરઓ લેવલે તાલીમ ચાલે છે. આવતીકાલ તા. 22/4ના સવારે 8 વાગ્યે ચૂંટણી કામગીરીના સ્ટાફને કચ્છની સાથોસાથ મોરબીના ડિસ્પેચિંગ સેન્ટરમાં મતદાન મથકે મોકલાશે. મતદાન મથકો પર મેડિકલ કિટની સાથે સ્ટાફને ઉપયોગી એવી જરૂરી ચીજવસ્તુઓ જેમ કે બિસ્કીટના પેકેટ, સાબુ, મચ્છરોથી રક્ષણ માટેના કાર્ડ સાથે વેલ્ફેર કિટ પણ આપવા આયોજન કરાયું છે.  કચ્છ-મોરબી મળી કુલ 2143 મતદાન મથક રહેશે. રિઝર્વ સહિત 10 હજાર કર્મચારીઓ ફરજમાં તૈનાત રહેશે.  ઉપરાંત ફ્લાઇંગ સ્કોડ, સ્ટેટેટિક્સ સર્વેલન્સ ટીમો, આચારસંહિતા અમલીકરણ માટેની ટીમો, પોલીસ સેકટર મોબાઇલ, મોરબી સહિત 212 જેટલા ઝોન અધિકારી પણ દરેક સ્થળે નિરીક્ષણ કરશે.  મતદારોને કાપલી વિતરણનું કામ પૂર્ણ થઇ ગયું હોવાનું શ્રી પ્રજાપતિએ જણાવી ઉમેર્યું કે, કુલ દિવ્યાંગો 3026 છે જેમાંથી 733 પ્રજ્ઞાચક્ષુ છે. આ તમામ માટે અલગ વ્યવસ્થા ગોઠવાઇ છે અને તેમને ઘરેથી મતદાન મથક તેમજ ત્યાંથી પરત ઘર સુધી લેવા-મૂકવા માટે 36 દિવ્યાંગ સહાયક રથ તૈયાર કરાયા છે. 143 જેટલી વ્હિલચેર મતદાન મથકોએ ફાળવાઇ છે. ઉપરાંત દિવ્યાંગોને મદદરૂપ થવા સફેદ ટોપી, શર્ટ અને ટી-શર્ટમાં 282 સહાયકો સજ્જ રહેશે.  2143 ઇવીએમ ઉપરાંત 413 રિઝર્વ મશીનો રખાશે. વિધાનસભા દીઠ બે-બે ઇજનેર, મશીનમાં કોઇ પણ ક્ષતિ સર્જાય તો તેને ઉકેલ માટે માસ્ટર ટ્રેનર પણ ફરજ પર રહેશે. 129 જેટલા મતદાન મથકો પર સંપૂર્ણ કામગીરીનું વીડિયો રેકોર્ડિંગ કરાશે તેમજ 160 મતદાન મથકનું વેબકાસ્ટિંગ એટલે કે, જીવંત પ્રસારણ કરાશે. 90 મતદાન મથકો પર માઇક્રો ઓબ્જર્વર ફરજ બજાવશે.  ચૂંટણીકાર્ય માટે વાહનો અંગે વિગતો આપતાં શ્રી પ્રજાપતિએ જણાવ્યું કે, 212 એસ.ટી.બસ, 305 નાના વાહનો, 55 જેટલી નાની બસ રોકાઇ છે.  અત્રે ખાસ નોંધનીય એ છે કે, આ વખતે પ્રથમવાર દરેક વિધાનસભા મુજબ એક-એક મથક દિવ્યાંગો સંચાલિત હશે. આ માટે તેમને તાલીમ આપી સજ્જ કરાયા હોવાનું શ્રી પ્રજાપતિએ જણાવ્યું હતું. 35 જેટલા સખી મતદાન મથકો પણ રખાશે. તમામ મથકો ઉપર બીએલઓ પાસે મોટી બરાખડી મુજબનું લિસ્ટ પણ રખાશે જેથી નામો ગોતવામાં સરળતા રહે.  મતદાન પૂર્ણ થયે સાત વિધાનસભામાં પોલીસ બંદોબસ્ત સાથે મશીન ઇજનેરી કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમમાં પહોંચાડાશે. ચૂંટણી કાર્યમાં જેમને ફરજ સોંપાઇ છે તે તમામ કર્મચારીઓને 2017 મુજબ ભથ્થું ચૂકવાશે.  કોઇપણ સ્થળે મુશ્કેલી સર્જાય તો કોન્ટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા છે જેમાં જે-તે શહેરના કોડ બાદ 1950 નંબર તેમજ ટોલ ફ્રી નં. 1800 233 3600 રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer