ગાંધીધામ સંકુલ આસપાસ ગામોના ચોરે ચોરે આરોગ્ય શિબિર યોજાશે

ગાંધીધામ સંકુલ આસપાસ ગામોના ચોરે ચોરે આરોગ્ય શિબિર યોજાશે
ગાંધીધામ, તા. 21 : ભારત વિકાસ પરિષદની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સંસ્થાના નવા વરાયેલા પ્રમુખે સેવાકીય કાર્યો કરી પદ સંભાળ્યું હતું. બેઠકના આરંભે પ્રમુખ ડો. નિતિન ઠક્કરે સૌ મહેમાનોને આવકાર્યા હતા. દીપ પ્રાગ્ટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપપ્રમુખ કનૈયાલાલ ભાવનાનીએ વર્ષ 2019ના નવા હોદ્દેદારોની જાહેરાત કરી હતી જેમા પ્રમુખ તરીકે જખાભાઈ ભીમાભાઈ હુંબલ, મંત્રી વિનોદ મેઘાણી, ખજાનચી હિતેશ રામદાસાની, ઉપપ્રમુખ શૈલેશ શાહ, મહિલા સંયોજક નેહાબેન વોરા, સહસંયોજક હીનાબેન શાહ, સહમંત્રહી અરુણ સોલંકી તથા કારોબારી સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. મંત્રી સુરેશ ઠક્કર દ્વારા 20 નવા સભ્યોને શપથ ગ્રહણ કરાવાયા હતા. નવા વરાયેલા પ્રમુખ જખાભાઈ હુંબલે પોતાના પ્રથમ ઉદબોધનમાં આગામી સમયમાં સમાજ ઉપયોગી કાર્ય  કરવાની નેમ વ્યકત કરી હતી. રકતદાન કેમ્પ ઉપરાંત આરોગ્ય સેવા માટે ગામડાના ચોરે ચોરે મેડિકલ કેમ્પ યોજવાનો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો. પ્રમુખ પદના પ્રથમ દિવસે જ માતા ખીમીબેન ભીમાભાઈ હુંબલના સમર્પણે બે બહેનોને સિલાઈ મશીન અને એક દિવ્યાંગ બહેનને ટ્રાઈસીકલ આપવામાં આવી હતી. તેમજ એક દીકરીના લગ્ન નિમિતે કરિયાવરના રૂા. 25 હજાર રોકડા, વિદ્યાર્થીઓને બેગની સહાય કરી હતી. આ વેળાએ હિરેન જખાભાઈ હુંબલ, ભારત વિકાસ પરિષદના પદાધિકારીઓ, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમને ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ દિનેશ ગુપ્તા, ગાંધીધામ મર્કન્ટાઈલ બેન્કના ચેરમેન બાબુલાલ સિંઘવી, ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાની, કચ્છ આહીર સમાજના પ્રમુખ બાબુભાઈ ભીમાભાઈ હુંબલ સહિત શહેરના અગ્રણીઓએ શુભકામના પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા વરજાંગ ગઢવી, મુકેશ ભાઈ, હિતેન્દ્ર ઠક્કર સહયોગી બન્યા હતાં. સંચાલન ડો. ચેતન વોરાએ કર્યું હતું. જ્યારે આભારવિધી ડો. હિરેન મહેતાએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer