કચ્છમાં એસ.ટી. બસો ચૂંટણીકાર્યમાં રોકાતાં પ્રવાસીઓ ખાનગી બસોના સહારે

કચ્છમાં એસ.ટી. બસો ચૂંટણીકાર્યમાં રોકાતાં પ્રવાસીઓ ખાનગી બસોના સહારે
ભુજ, તા. 21 : મંગળવારે ગુજરાતની સાથે કચ્છમાં યોજાનારી લોકસભા ચૂંટણીના કાર્યમાં જિલ્લાની 212 જેટલી બસો ફાળવાતાં બેહાલ બનેલા પ્રવાસીઓને નાછૂટકે ખાનગી બસોનો સહારો લેવો પડયો હતો. 23મીએ યોજાનારા મતદાન માટે ચૂંટણીપંચ દ્વારા જિલ્લાના એસ.ટી. વિભાગ પાસે ઇલેકટ્રોનિક વોટિંગ મશીનોથી માંડી ચૂંટણી કાર્યમાં જોડાયેલા અધિકારીઓ-કર્મચારીઓને જિલ્લાના તમામ બૂથ સુધી પહોંચાડવા અંદાજે 212 બસો ફાળવવાની માંગ કરવામાં આવી છે. આ બસો ચૂંટણી કાર્યમાં રોકાઇ જતાં રવિવારથી જ પ્રવાસીઓ રઝળી પડયા હતા, જેમાં ભુજના બસસ્ટેશને મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાના રૂટની રાહ જોતા જોવા મળ્યા હતા, પરંતુ તેમના રૂટ રદ કરી દેવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ એસ.ટી. વિભાગમાંથી કચ્છના અંદાજે 88 જેટલા રૂટો રદ કરાયાની વિગતો પ્રાપ્ત થઇ હતી, જેમાં અંજારમાં 20, મુંદરામાં 10, માંડવી 18, નખત્રાણા 16, નલિયા 6, રાપર 8 અને ભચાઉના 10 જેટલાનો સમાવેશ થાય છે. જ્યારે ભુજના ડેપો મેનેજરનો સંપર્ક કરવાનો અનેકવાર પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી.ચૂંટણીમાં એસ.ટી. બસો રોકાઇ જતાં ઘેટા-બકરાની જેમ ઉતારુઓને ભરતા ખાનગી બસ ચાલકોને બખ્ખા થઇ પડયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer