બંધારણ બાબાસાહેબની તપસ્યાનો નિચોડ

બંધારણ બાબાસાહેબની તપસ્યાનો નિચોડ
ગાંધીધામ, તા. 21 : બંધારણ બાબા સાહેબ આંબેડકરની તપસ્યાનો નિચોડ છે શહીદોનું બલિદાન છે. જ્યારે જ્યારે દેશમાં બંધારણની મશ્કરી થાય ત્યારે જનતાએ રોડ ઉપર ઊતરવું પડશે તેવું વડગામના ધારાસભ્યએ ગાંધીધામ ખાતે બંધારણ બચાઓ દેશ બચાઓ સભાને સંબોધતાં જણાવ્યું હતું. અપક્ષ ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જિજ્ઞેશ મેવાણીએ પોતાના વકતવ્યના આરંભમાં જ ધારાસભ્યની અભદ્ર ઓડિયો કલીપના બનાવને આક્રમક શબ્દોમાં વખોડી કાઢી આવા લોકોથી બંધારણને બચાવવાની જરૂરૂ પડી હોવાનું રોષ સાથે જણાવ્યું હતું. તેમણે સભાના મંચ ઉપર બોલતાં જણાવ્યું હતું કે વડાપ્રધાને 100 સ્માર્ટ સિટી બનાવવા, બહેનોનું નેતૃત્વ હોય તેવી આઈટીઆઈ બનાવવા, ન્યાયાધીશોની ભરતી ત્રણગણી કરવા સહિતના વચનો આપ્યા હતાં, પરંતુ તમામ બાબતોમાં મીંડું જ છે. ખેડૂતોનું એક રૂપિયાનું લેણું માફ નથી કર્યું, જ્યારે કોર્પોરેટ કંપનીઓનો કરોડોનો ટેકસ માફ કરી દેવાયો  હોવાનો આક્ષેપ કર્યો હતો. કચ્છની હજારો એકર જમીન ઉપર એસ.સી,એસ. ટી. લોકોના કબ્જાના બદલે માથાભારે લોકોનું દબાણ હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. પક્ષના સિનિયર નેતાઓ અશ્લીલ કાંડમાં સંડોવાયેલા હોવા છતાં મોવડી મંડળ રાજીનામું કેમ નથી માગતું? તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. ભાજપની અશ્લીલતાએ કચ્છની સંસ્કૃતિને બટ્ટો લગાડયો હોવાનો આક્ષેપ કર્યો હતો.  આ પૂર્વે કોંગ્રેસના પ્રદેશ મંત્રી હાજી જુમા રાયમા, શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધી, આહીર સમાજના ભરત મ્યાત્રા, માનવતા ગ્રુપના ગોવિંદ દનિચા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના નરેશ મહેશ્વરી, નીલ વિંઝોડા, લલિતાબેન મહેશ્વરી, ગોમતીબેન ચાવડા વગેરેએ વકતવ્ય આપ્યું હતું. બંધારણમાં બાબા સાહેબે આપેલા મતાધિકારનો સાચો ઉપયોગ કરી સત્તા પરિવર્તન કરવા હાકલ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer