રોહા (સુમરી)ના ગણેશ મંદિરે જીર્ણોદ્ધાર મહોત્સવ યોજાયો

રોહા (સુમરી)ના ગણેશ મંદિરે જીર્ણોદ્ધાર મહોત્સવ યોજાયો
દેવપુર-ગઢ (તા.માંડવી), તા. 21: કચ્છના ઈતિહાસમાં પોતાનું આગવું સ્થાન ધરાવતા રોહા (સુમરી) ગામે મહેશ્વરી સમાજ દ્વારા ગણેશદેવના મંદિરે જીર્ણોદ્ધાર મહોત્સવ યોજાયો હતો. બે દિવસીય પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સંતવાણી, ધર્મપંથ, ધ્વજારોહણ, મહાઆરતી સહિતના કાર્યક્રમો બાદ મહાપ્રસાદનો ભાવિકોએ લાભ લીધો હતો. ભાઇચારાની ભાવના અને કોમી એખલાસ સાથે ઉજવાયેલા મહોત્સવમાં અબડાસાના ધારાસભ્ય પી.એમ. જાડેજાએ આયોજકોને બિરદાવ્યા હતા. સદીઓથી મહેશ્વરી (મેઘવાળ) ગણેશદેવને ઇષ્ટદેવ તરીકે પૂજે છે. બારમતી પંથના સ્થાપક  ધણી માતંગદેવના પુત્ર લુણંગદેવની આરાધના સાથે મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. રાત્રે કચ્છના યુવા ભજનીક વિશાલ ગઢવી, કચ્છી લોક ગાયિકા સાહેદા મીર અને લોક સાહિત્યકાર શ્યામ ગઢવીની સંતવાણી યોજાઇ હતી. સુખપર (રોહા)ના કાળુભા પૃથ્વીરાજાસિંહ જાડેજાની મહેશ્વરી સમાજના યુવાનો દ્વારા ગુરુ વંદના કરાઇ હતી. મુસ્લિમ જમાતના મુતવલી સિધિકભાઇ ખલીફાએ યુવા અગ્રણી વેલજી પેથા જેપારનું સન્માન કર્યુ હતું. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નાસિંહ જાડેજાએ ઉપસ્થિત તમામ જ્ઞાતિના લોકોને ભાઇચારાની ભાવના માટે અભિનંદન પાઠવી આ ઐતિહાસિક ધરાની સદીઓ જૂની કોમી એખલાસની વાત કહી હતી. ગાત્રાળ માતાજીના મહંત શંકરગિરિબાપુ અને મુસ્લિમ જમાતના મોભી સૈયદ શાકરશા કાદરશાની ભાઇબંધી અને ભાઇચારાની ભાવના પર ઓળઘોળ થઇ મડદ દાદા સેવા સમિતિના ચેતન ધુવા, શિવજી ભરાડિયા, પ્રવીણ કેનિયા સહિતના સંઘીઓએ ઘોર કરી હતી. માજી સરપંચ ઇન્દ્રજિતાસિંહ વાઢેર, ચંદ્રાસિંહ વાઢેર, અનવર પનુ સમેજા, મંગલભાઇ કટુઆ, નરેશભાઇ મહેશ્વરી, માવજીભાઇ મહેશ્વરી, મોહનભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આયોજન વેલજી પેથા જેપારના વડપણમાં યુવા કાર્યકરોએ સંભાળ્યું હતું. ધર્મગુરુ ચાંપશી માતંગ, નારાણ મારાજની હાજરીમાં ધર્મપંથ યોજાયો હતો. મહાઆરતી યોજાઇ હતી. રોશિયા પરિવારે ધજાનો ચડાવો લીધો હતો. સંચાલન રમેશ રોશિયાએ કર્યુ હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer