વોર્નર-બેયરસ્ટોની ધમાલથી હૈદરાબાદની ભવ્ય જીત

હૈદરાબાદ, તા. 21: આઇપીએલ-12ની સૌથી સફળ પ્રારંભિક જોડી ડેવિડ વોર્નર (67) અને જોની બેયરસ્ટો (અણનમ 80) વચ્ચેની વધુ એક શતકીય ભાગીદારીથી આજની પહેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 9 વિકેટે ચમકદાર વિજય મેળવ્યો હતો. વોર્નર - બેયરસ્ટોની વિસ્ફોટક બેટિંગને લીધે સનરાઇઝર્સે કેકેઆરનો 160 રનનો વિજય લક્ષ્યાંક માત્ર 1 જ વિકેટ ગુમાવીને 1પ ઓવરમાં કરી લીધો હતો. હૈદરાબાદે 30 દડા બાકી રાખીને કોલકાતાને 9 વિકેટે કારમો પરાજય આપ્યો હતો. કેકેઆર સામેની જીતથી સનરાઇઝર્સ હૈદરાબાદ 10 મેચના અંતે પ જીતથી 10 પોઇન્ટના સરવાળા સાથે પોઇન્ટ ટેબલ પર ચોથા સ્થાને આવી ગયું છે. બીજી તરફ કોલકાતાની સ્થિતિ નબળી પડી છે. તે 10 મેચમાં 8 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને ફેંકાઇ ગયું છે.  કોલકાતાના 9 વિકેટે 1પ9 રનના જવાબમાં સનરાઇઝર્સ તરફથી વધુ એકવાર ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોની જોડીએ આતશી શરૂઆત કરી હતી.  બન્નેએ કોલકાતાના તમામ બોલરોની ધોલાઇ કરીને ચોગ્ગા - છગ્ગાની રમઝટ બોલાવી હતી. વોર્નર હૈદરાબાદની જીત નિશ્ચિત કરીને 38 દડામાં 3 ચોગ્ગા અને પ છગ્ગાથી 67 રને આઉટ થયો હતો. તેના બેયરસ્ટો વચ્ચે પહેલી વિકેટમાં 74 દડામાં 131 રનની આક્રમક ભાગીદારી થઈ હતી. આ પછી જોની બેયસ્ટરોએ સ્ટ્રકોફૂલ બેટિંગ ચાલુ રાખીને 1પ ઓવરમાં 161 પર સ્કોર પહોંચાડીને કોલકાતા સામે હૈદરાબાદને 9 વિકેટે શાનદાર જીત અપાવી હતી. બેયરસ્ટો 43 દડામાં 7 ચોગગા અને 4 છગ્ગાથી 80 રને નોટઆઉટ રહ્યો હતો. સુકાની કેન વિલિયમ્સને અણનમ 8 રન કર્યા હતા. આ પહેલાં પહેલો દાવ લેનારી કોલકાતાની ટીમ હૈદરબાદની ચુસ્ત બોલિંગ સામે 9 વિકેટે 1પ9 રન કરી શકી હતી. જેમાં ઓપનર ક્રિસ લેનના 47 દડામાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાથી પ1 રન, સુનીલ નારાયણના 8 દડામાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાથી 2પ અને રિંકુ સિંઘના 30 રન મુખ્ય હતા. સ્ટાર આંદ્રે રસેલ 9 દડામાં બે છગ્ગાથી 1પ રન કરીને ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. શુભમન ગિલ (3), નિકેશ રાણા (11), સુકાની કાર્તિક (6) નિષ્ફળ રહ્યા હતા. હૈદરાબાદ તરફથી ખલિલ અહેમદે 33 રનમાં 3 અને ભુવનેશ્વરે 3પ રનમાં 2 વિકેટ લીધી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer