ફરી ચૈતરિયા તાપમાં તપવા માંડયું કચ્છ

ભુજ, તા. 21 : સવાર ઊગતાંની સાથે જ ભેજને વિખેરી નાખતા સૂર્યના સામ્રાજ્યમાં શેકાઇને સરહદી કચ્છ પ્રદેશનું જનજીવન રવિવારે ઉનાળુ ઉકળાટમાં અકળાયું હતું. કંડલા એરપોર્ટ પર 40.6 ડિગ્રી સેલ્સિયસ સાથે ગળપાદર, વરસામેડી, અંજાર સહિતના ભાગો જિલ્લામાં સૌથી વધુ તપ્યા હતા. જિલ્લા મથક ભુજમાં 40 ડિગ્રી સેલ્સિયસ સાથે શહેરી જનજીવન ચૈત્રના તાપથી ત્રાહિમામ પોકારી ઊઠયું હતું. ખાસ કરીને ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન સાવ ઓછું હોવાથી તાપની તીવ્રતા વધુ વર્તાઇ?હતી. કાળાં માથાંના માનવીથી માંડીને પશુ-પંખી સહિત સમસ્ત જીવસૃષ્ટિને આકુળ-વ્યાકુળ કરી નાખતા તાપથી ખુલ્લામાં પેટિયું રળવાની  લાચારી વેઠતા શ્રમજીવી વર્ગની  સાથોસાથ કાચાં ઝૂપડાં, લુગડાં બાંધેલા ભૂંગામાં વસતા દરિદ્રનારાયણ પરિવારોની અગનવર્ષાએ દયનીય દશા કરી નાખી હતી. દિવસભર દાઝેલા કચ્છે ઢળતી સાંજ ઝંખીને રવિવાર માંડ પસાર કર્યો હતો. આજે સાંજ ઢળ્યા સુધી સૂર્યદેવતાએ અગનની આણ વર્તાવી હતી. સાંજ ઢળતાંની સાથે જ સૂર્ય આથમવાના આશ્વાસન સાથે પવનમાંથી તપત દૂર થયા પછી રવિવારની રજાનો લાભ લઇને  લોકો ઘરોની બહાર ફરવા નીકળી પડયા હતા. સૂરજબારીથી સરહદ સુધી સર્વત્ર સૂર્યના સામ્રાજ્યએ અગનની આણ વર્તાવી હતી. રાપરમાં 40 અને ખાવડામાં 39 ડિગ્રી સાથે રણકાંધીને તપાવનાર ચૈતરિયો તાપ વાગડ પંથકનેય વસમો થઇ?પડયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer