વિકાસની વિવિધ યોજના અને કામો થકી દેશમાં મોદી સરકાર બની નિશ્ચિત

ભુજ, તા. 21 : છેવાડાના લોકોને ફળ મળ્યા હોય તેવી અનેક કલ્યાણકારી યોજનાઓ અને છેવાડાના માનવી સુધી પહેંચેલા વિકાસના કામો સહિતના ભાથા થકી કચ્છથી દિલ્હી સુધી ઊભા થયેલા માહોલ વચ્ચે દેશમાં નરેન્દ્રભાઇ મોદીની સરકાર નિશ્ચિત બની હોવાનો દાવો વિશ્વાસ સાથે કચ્છ લોકસભા બેઠકના ઇન્ચાર્જે કર્યો હતો. ઇન્ચાર્જ ધારાશાત્રી દિલીપભાઇ ત્રિવેદીએ એક મુલાકાતમાં રાષ્ટ્રવાદ, રાષ્ટ્રહિત અને રાષ્ટ્રીય સુરક્ષાની વાત સામાન્ય લોકોમાં વણાઇ ચૂકી હોવાનું કહેતા આના થકી દેશવાસીઓએ બનાવી લીધેલા મન થકી પક્ષ માટે ધાર્યા કરતાં વિશેષ પરિણામ આવવાની લાગણી વ્યકત કરી હતી. આ માટે લોકોને ઉપયોગી એવી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસના દરેક વર્ગના લોકો સુધી પહેંચેલા કામો નિમિત બનશે તેવું તેમણે ઉમેર્યું હતું. કચ્છની વાત કરતા ભાજપના આ જિલ્લા સ્તરના મોવડીએ એવું કહ્યું હતું કે કચ્છ હંમેશાં રાષ્ટ્રની સાથે જ રહેતું આવ્યું છે. રાષ્ટ્રભરમાં ફેલાયેલો માહોલ અને ઉત્સાહ કચ્છ લોકસભા હેઠળની મોરબી સહિતની સાતેય બેઠકમાં ચોકકસ જોવા મળશે અને પક્ષના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાને આ સાતેય બેઠક ઉપર નોંધનીય સરસાઇ મળશે તેવો વિશ્વાસ સાથે તેમણે દાવો કર્યો હતો. દરમ્યાન તેમણે ઉમેર્યું હતું કે બેઠકના ઇન્ચાર્જની રૂએ તેમણે સાતેય વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ પાસેથી મતદાન સહિતની ગોઠવાયેલી વ્યવસ્થા વિશેની વિગતો મેળવી તેની સમીક્ષા કરતા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાજય અને દેશના અન્ય ભાગો સાથે કચ્છમાં પણ મહતમ મતદાન થાય તેવી વ્યવસ્થાને આખરી ઓપ અપાઇ ચૂકયો હોવાની તેમણે વિગતો આપી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer