અંજારમાં હનુમાન મંદિરે કાર્યક્રમ સ્થળ પાસે મારામારીમાં ચાર ઘવાયા

ગાંધીધામ, તા. 21 : અંજારના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હનુમાન મંદિર પાસે સામસામે મારામારી થતાં બન્ને પક્ષના ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. અંજારમાં રહેતા નીલેશ મનજી ગુદરાસણિયા (સોરઠિયા)એ સંજય દયારામ બાલાસરા અને તેના ભાઈ રામદેવ દયારામ બાલાસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી યુવાન તથા અન્ય લોકો જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરના સંચાલકો છે. ગત તા. 19/4ના હનુમાન જયંતી નિમિત્તે પ્રસાદ તથા ભોજનનું આયોજન કરાયું હતું, જે લેવા લોકો ત્યાં આવતા હતા. દરમ્યાન મંદિર બહાર ઝઘડાનો અવાજ થતાં આ ફરિયાદી નીલેશ તથા હિરેન કેશવજી કાપડી ત્યાં ગયા હતા. આ યુવાનોએ શાંત રહેવા કહેતાં બન્ને  આરોપીઓ ઉશ્કેરાઈ   ગયા હતા અને આ બન્નેને માર માર્યો હતો. સામા પક્ષે સંજય બાલાસરાએ નીલેશ મનજી ગુદરાસણિયા તથા હિરેન કેશવજી કાપડી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સંજય અને તેનો ભાઈ રામદેવ આ બન્ને મંદિર પાસે ઊભા હતા ત્યારે હિરેન અને નીલેશ છાશ લઈને નીકળતાં અને છાશ આ બન્ને ભાઈઓ ઉપર ઢોળાતાં જોઈને ચાલવાનું કહ્યું હતું. દરમ્યાન ઉશ્કેરાયેલા આરોપીઓએ ધોકા વડે બન્ને ભાઈઓને માર માર્યો હતો. આ બનાવમાં પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer