માંડવી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજિત દેવપ્રતિમાઓને સુવર્ણ મુગટથી સજાવાશે

કેરા (તા. ભુજ), તા. 21 : લોકશાહીના ઉત્સવ માટે સજ્જ બંદરીય શહેર માંડવી તા. 25થી સ્વામિનારાયણ સંપ્રદાયના સુવર્ણ મહોત્સવનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. કચ્છ સત્સંગના ઈતિહાસમાં અનેરું મહત્ત્વ ધરાવતા માંડવીના સ્વામિનારાયણ મંદિરમાં તમામ મૂર્તિઓના મુગટ સુવર્ણના તેમજ સહજાનંદ સુખશૈયાને સુવર્ણે મઢાતાં અર્પણ કરાશે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ વડીલ સંતોની પ્રેરણાથી શ્રી કૃષ્ણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, રાધિકાજી, ઘનશ્યામ મહારાજની પ્રતિમાઓને સુવર્ણ મુગટ અર્પણ કરાશે. જ્યારે સહજાનંદ સુખશૈયા ઢોલિયાને સુવર્ણે મઢાતાં હરિચરણે અર્પણવિધિ થશે. માંડવી સ્વામિનારાયણ મંદિરના ઈતિહાસમાં નોંધાય તેવડી તૈયારીઓ કરાઈ છે. દેશ-વિદેશથી હરિભક્તોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. સમગ્ર ચોવીસીમાં પણ આ પ્રસંગ માટે વિશેષ તત્પરતા છે. મંદિરના પુન:નિર્માણ, સ્થળાંતર પછીનો આ સૌથી મોટો ઉત્સવ હોવાનું મહંત સ.ગુ. કેશવજીવનદાસજી સ્વામી આદિ સંતમંડળે જણાવ્યું હતું. વિશિષ્ટ કેસરવર્ણી પત્રિકાઓ પહોંચાડાઈ છે. તા. 24/4 બુધવાર સાંજે 4 કલાકે પ્રસાદી મંદિરેથી પોથીયાત્રા, 25ના દીપ પ્રાગટય, હરિ પ્રાગટયોત્સવ, 26ના સુવર્ણ સુખશૈયા અર્પણ, આગમન મહોત્સવ, હરિકૃષ્ણ મહારાજ સુવર્ણતુલા, ફૂલડોલોત્સવ, 28ના સવારે 8થી ગજરાજયાત્રા, જલયાત્રા, અભિષેક, અન્નકૂટ, ઠાકોરજીના મુગટ અર્પણ, સંગીત સંધ્યા, કોડાય ગુરુકુળની સાંસ્કૃતિક રજૂઆત અને રક્તદાન મહોત્સવ અંતર્ગત યોજાનાર છે. 28ના સવારે ચોવીસીની વાજિંત્ર મંડળી આકર્ષણ જગાવશે. ઉત્સવમાં સાંખ્યયોગી બહેનોનો ઉત્સાહ પરાકાષ્ટાએ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer