દિવ્યાંગો, વડીલજનો, મહિલાઓ માટે મતદાન મથકે ખાસ સુવિધા

ભુજ, તા. 21 : લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે લોકશાહીના આ પર્વની ઉજવણીને સાર્થક કરવા 100 ટકા મતદાન કરવા માટે કચ્છીજનોને કલેક્ટર અને જિલ્લાના ચૂંટણી અધિકારી રેમ્યા મોહને ફરી અપીલ કરી છે. ચૂંટણીના પર્વની તૈયારી માટે વહીવટી તંત્ર સહિત અનેક અધિકારીઓ ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજાય તે માટે સતત પ્રયાસરત છે ત્યારે કચ્છના મતદારો પણ લોકશાહીમાં મત આપવાની પોતાની ફરજ સુપેરે નિભાવે તે માટે તેમણે જણાવ્યું હતું કે  મતદાનના દિવસે વોટર સ્લીપ સિવાય ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 પુરાવામાંથી કોઇ પણ એક પુરાવો સાથે રાખીને મતદાનની પોતાની અમૂલ્ય ફરજ નિભાવે. આ ઉપરાંત સિનિયર સિટીજન તેમજ દિવ્યાંગો માટે ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા કરી હોવાથી તેઓને મતદાન માટે અગ્રતા આપવાનું નક્કી કરાયું હોવાથી તંત્રને સહયોગી થવા પણ કલેકટરે વિનંતી કરી છે. મહિલાઓ માટે  વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે એક પુરુષ અને બે મહિલાઓને લાઇનમાં મતદાન કરવાનું પણ આયોજન ગોઠવાયું છે. ચૂંટણી પંચની સૂચનાનુસાર મતદાન મથકની અંદર મતદાન કરતી વખતે કોઇ મતદાતાને મોબાઇલ સાથે લઇ જવા પર પ્રતિબંધ છે ત્યારે મતદાન મથકની અંદર મોબાઇલ લઇ જવા માટે કોઇ આગ્રહ ન કરે તે માટે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer