વિંઝાણની જમીનોના મામલામાં અંતે ફોજદારી

ભુજ, તા. 21 : અબડાસાના વિંઝાણ ગામે મૃત્યુ પામેલા વ્રજકુંવરબા જેઠુજી જાડેજા નામના મહિલાના નામે ખોટા દસ્તાવેજ બનાવી લેવાના અને અન્ય સાત ખેડૂતોના નામે તેમની જાણબહાર બેન્કમાંથી પરબારું કુલ રૂા. 7.82 કરોડનું પાકધિરાણ લઇ બાદમાં આ લોન ભરપાઇ કરી નાખવાના ભારે ચકચારી કિસ્સામાં અંતે જાણીતાં માથાંઓ સહિતના જવાબદારો સામે ફોજદારી ગુનો નોંધાયો છે. જે તે સમયે થયેલી અરજીઓ અને લેખિત ફરિયાદોની તપાસના અંતે સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા વર્ષ 2010થી 2014 દરમ્યાન બનેલા આ મામલાને કાયદાકીય સ્વરૂપ અપાયું છે. આ પ્રકરણમાં સ્વ. વ્રજકુંવરબા જેઠુજી જાડેજાના પુત્ર કીર્તાસિંહ જેઠુજી જાડેજા (રે. વિંઝાણ) દ્વારા ગત બુધવારે આ ગુનો દાખલ કરાવાયો હતો. જેમાં આરોપી તરીકે મૂળ ડુમરા (અબડાસા)ના અને હાલે ભુજ રહેતા જેન્તીલાલ જેઠાલાલ ઠકકર, મુંબઇના કમલેશ કરસનદાસ ઠકકર, ભદ્રેશ વસંતરાય મહેતા, પાર્થ ભદ્રેશ મહેતા અને હીનાબેન ભદ્રેશ મહેતા તથા વાયોર (અબડાસા)ના કુશલ મુકેશભાઇ ઠકકર તથા તપાસમાં જેમની સંડોવણી ખૂલે તેવા મળતિયાઓને બતાવાયા છે.  સી.આઇ.ડી. ક્રાઇમ સમક્ષ આ ચકચારી પ્રકરણ વિશે જે તે સમયે થયેલી લેખિત ફરિયાદો અને અરજીઓની પ્રાથમિક તપાસ બાદ આ મામલાને કાયદાકીય રીતે ફોજદારી ફરિયાદનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. સી.આઇ.ડી. ક્રાઇમની ભુજ સ્થિત સરહદ રેન્જ એકમની કચેરીમાં આ ગુનો દાખલ કરાયા બાદ આ કેસની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમના ગાંધીનગર સ્થિત ફ્રોડ વિભાગના ડિટેકિટવ ઇન્સ્પેકટર એમ.યુ.મસીને સુપરત કરાઇ છે.  સત્તાવાર સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે ગુનામાં ભારતીય દંડસંહિતાની કલમ 406, 420, 467, 468, 471, 120 (બી), 506 (ર) વગેરે લગાડવામાં આવી છે.  ફરિયાદમાં જણાવાયા મુજબ કેસના ફરિયાદી કીર્તાસિંહ જાડેજાના માતાજી વ્રજકુંવરબાના નામે વિંઝાણ ગામે જમીન આવેલી છે. વ્રજકુંવરબાનું 1988માં અવસાન થયા બાદ 2010થી 2014 દરમ્યાન ગમે ત્યારે તેમના નામની ખોટી સહિઓ કરી જમીનના ખોટા દસ્તાવેજ બનાવી લેવામાં આવ્યા હતા. તથા આ જમીન ઉપર ભુજ તાલુકાના બળદિયા ગામે કાર્યરત આઇ.ડી.બી.આઇ. બેન્કમાંથી રૂા. 88 લાખનું પાકધિરાણ લેવાયું હતું. તો અન્ય સાત ખેડૂતના નામે એક-એક કરોડનું પાકધિરાણ લઇ કુલ રૂા. 7.82 કરોડનું ધિરાણ લેવાયું હતું. જમીનમાલિકોની જાણ બહાર આ લોન લેવાયા બાદ તેને પુન: ભરપાઇ કરી નાખી બેન્ક અને જમીનધારકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરાયા હતા. દરમ્યાન આ પ્રકરણમાં લાંબા સમય સુધી અરજીઓ અને ફરિયાદો તથા કાયદાકીય ચડાવ-ઉતારનો દોર જારી રહ્યો હતો. સ્થાનિક અદાલતથી છેક રાજ્યની વડી અદાલત સુધી કાયદાકીય દાવપેચ પણ અસ્તિત્વમાં આવ્યા હતા. અંતે ગત તા. 17મીના લખાયેલી આ ફોજદારી ફરિયાદને ગઇકાલે વિધિવત રીતે ગુના તરીકે દાખલ કરાઇ હતી.  જેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે આરોપીઓ પૈકી ભદ્રેશ વસંતરાય મહેતા મુંબઇ રહે છે અને તેઓ ભદ્રેશ એગ્રો ટ્રાડિંગ કંપનીના ડાયરેકટર છે. દેશભરમાં કોટનાકિંગ તરીકે જાણીતા એવા તેમના સહઆરોપી પાર્થ પુત્ર અને હીનાબેન પત્ની થાય છે. જ્યારે જેન્તી ઠકકર અને કમલેશ ઠકકર નવી મુંબઇ વાશી સ્થિત અર્પિત ઇન્ટરનેશનલ પેઢીના સંચાલક છે. જેન્તી ઠકકર હાલે માજી ધારાસભ્ય જયંતી ભાનુશાલી ખૂન કેસ અન્વયે ધરપકડ બાદ રિમાન્ડ હેઠળ છે. જે દરમ્યાન ભારેખમ કલમો તળે આ ફોજદારી નોંધાઇ છે.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer