કંડલાથી ઘાસચારો ભરી રવાના થયેલી ટ્રક જખૌ પાસે આગમાં ખાખ

ભુજ, તા. 21 : અબડાસાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના પશુઓ માટે કંડલાથી ચોખાની પરાડ (ઘાસચારો) ભરી રવાના થયેલી ટ્રક જખૌ નજીક અસીરાવાંઢ પાસે ભારે વીજવાહક વાયરના સંપર્કમાં આવતાં આગ લાગવાથી ખાખ થઇ ગઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ આ ટ્રક અંદાજે સાંજે સાતેક વાગ્યાના અરસામાં અસીરાવાંઢ પાસેથી પસાર થઇ રહી હતી તે દરમ્યાન વીજવાયરના સંપર્કમાં આવી હતી, જેના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે નજીકના બી.એસ.એફ.ના કેમ્પમાં જાણ કરાતાં 172 બટાલિયન ટુકડીના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને નલિયા વાયુદળને જાણ કરાતાં ત્યાંથી અગ્નિશમન દળનો બંબો પણ આગ બુઝાવવા આવી પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. આ કાર્યવાહીમાં વાયુદળના ડેપ્યુટી કમાન્ડર રવિ હોનવર, બી.એસ.એફ.ના કાર્યવાહક કમાન્ડર સુરેશકુમાર સિંઘ પણ સ્થળ પર પહોંચી આવ્યા હતા. જખૌ પોલીસ સ્ટેશને આ બનાવને સમર્થન આપી આ ટ્રક પંજાબની અને ડ્રાઇવર રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું, તેમ જખૌથી પણ ફાયર બ્રિગેડની ટીમ મોકલી હોવાથી વધુ વિગતો આ ટીમ આવ્યે જાણ થવાનું જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer