કચ્છના દુર્ગમ વિસ્તારોમાં પીવાનાં પાણીની સમસ્યા ઉકેલો

ભુજ, તા. 21 : કચ્છમાં ચાલી રહેલી લોકસભા સામાન્ય ચૂંટણીની અંતિમ તબક્કાની વ્યસ્તતાભરી કામગીરી વચ્ચે વહીવટીતંત્ર દ્વારા કચ્છની અછત પરિસ્થિતિની સમીક્ષા માટે રચવામાં આવેલી અછત રાહત સમિતિની બેઠકમાં પશુધન માટે ઘાસની પરિસ્થિતિ ઉપરાંત પીવાનાં પાણીના પ્રશ્ને તંત્રને મળેલી વિવિધ રજૂઆતો સંદર્ભે ચર્ચા-વિચારણા થઇ હતી. જેમાં દુર્ગમ વિસ્તારોમાં પીવાનાં પાણીની સમસ્યા ઉકેલવા પર ભાર મુકાયો હતો. અધિક કલેક્ટર કે.એસ. ઝાલાના અધ્યક્ષપદે મળેલી જિલ્લા અછત રાહત સમિતિની બેઠકમાં કચ્છમાં પશુધન માટે ઘાસચારાની પરિસ્થિતિની વિગતે ચર્ચા થઇ હતી. કચ્છમાં 7.10 કરોડ કિલોગ્રામ ઘાસનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. પશુધન માટે 71 રેલવે રેક દ્વારા 2.29 કરોડ કિલો ઘાસ લાવવામાં આવ્યું છે. 456 કેટલ કેમ્પમાં 2.70 લાખ અને 154 ગૌશાળા-પાંજરાપોળોમાં 1.30 લાખ ઉપરાંત અબોલ જીવોનો નિભાવ કરાઇ રહ્યો છે. 15મી માર્ચ સુધીનું તમામ ગૌશાળા-પાંજરાપોળો અને ઢોરવાડાઓને રૂા. 79.77 કરોડનું ચૂકવણું પણ કરી દેવાયું છે, તે અંગેની બેઠકમાં વિગતો અપાઇ હતી. ગ્રામ્ય વિસ્તાર સહિત દુર્ગમ વાંઢ વિસ્તારોમાં પીવાનાં પાણીની મળેલી વિવિધ રજૂઆતોનો હકારાત્મક ઉકેલ લાવવા અધિક કલેક્ટર શ્રી ઝાલાએ નિર્દેશ આપતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને અબડાસાના વિંગાબેર, રાપરના સુજાપરાવાંઢ સહિતના વિસ્તારના લોકો માટે પીવાનાં પાણીના પ્રશ્ને હકીકતલક્ષી અહેવાલ રજૂ કરી પ્રશ્નોનો નિવેડો લાવવા ઉપરાંત પશુધનને પીવાનાં પાણીના કાયમી નિવારણ માટે લખપતના આશાલડીમાં ચેકડેમ બાંધવાની પણ રજૂઆત અછત સમિતિને મળી હતી. સિંચાઇ વિભાગને તેનો અહેવાલ આપવા બેઠકમાં જણાવાયું હતું. ભુજ નગરપાલિકાને શહેરમાં રખડતા ઢોરોના કાર્યવાહી સંબંધે થયેલી કાર્યવાહીની વિગતો આપવા પણ જણાવાયું હતું. બેઠકમાં ઉપસ્થિત રહેલા નાયબ પશુપાલન નિયામક ડો. કે. જી. બ્રહ્મક્ષત્રિય દ્વારા અત્યાર સુધીમાં 4345 પશુઓની સારવાર ઉપરાંત 1,56,123 પશુઓને કૃમિનાશક દવા અને 2,30,397 પશુઓનું રસીકરણ કરી કુલ 3,90,865 પશુધનના આરોગ્ય સંભાળની કામગીરી સુચારુપણે કરાઇ હોવાની વિગતો અપાઇ હતી. આ બેઠકમાં અછતના નાયબ કલેકટર એન.યુ. પઠાણ, અછત મામલતદાર ભગીરથાસિંહ ઝાલા, ભુજ નગરપાલિકા, પાણી પુરવઠા, સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઐ 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer