કોહલીની ઝંઝાવાતી સદી : બેંગ્લોરની જીત

કોલકાતા, તા. 19 : વિરાટ કોહલીની વિસ્ફોટક સદીના સહારે પોઇન્ટ ટેબલ પર તળિયાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શુક્રવારે સિઝનની બીજી જીત મેળવતાં હરીફ કોલકાતા નાઇટ રાઇડર્સને 10 રને હરાવી હતી. પરિણામે શાનદાર બેટિંગ કરનારા રાણા અને રસેલનો સંઘર્ષ એળે ગયો હતો.  વિરાટસેનાએ આપેલું 213નું લક્ષ્ય આંબવા મેદાન પર ઊતરેલી નાઇટ રાઇડર્સે 79 રનમાં ચાર વિકેટ ખોઇ દીધી હતી.  ત્યારબાદ આવેલા નીતિશ રાણાએ છેલ્લા દડા સુધી ક્રીઝ પર ટકી રહી માત્ર 45 દડામાં 9 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 79 રન ઝૂડી દીધા હતા. તો આંદ્રે રસેલે પણ માત્ર 25 દડામાં 2 ચોગ્ગા, 9 છગ્ગા સાથે 65 રન ફટકારી દીધા હતા.  રાણા, રસેલના આક્રમક પ્રદર્શનના પગલે એક તબક્કે બાજી પલટાશે તેવું જણાતું હતું પરંતુ છેલ્લે કોલકાતા જીતથી 10 રન દૂર રહી હતી.  અગાઉ, કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, ત્યારબાદ મેદાન પર ઊતરેલી પોઇન્ટ ટેબલ પર તળિયાના સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિસ્ફોટક બેટિંગ કરનાર સુકાની વિરાટ કોહલીની શાનદાર સદીની મદદથી 20 ઓવરમાં 4 વિકેટ 213 રનના મોટા સ્કોર સાથે કોલકાતાને પડકારરૂપ લક્ષ્ય આપ્યું હતું.  શુક્રવારે કાંડાનું કૌવત બતાવતાં કેપ્ટન ઇનિંગ રમનાર કોહલીએ માત્ર 58 દડામાં  9 ચોગ્ગા અને ચાર ગગનચુંબી છગ્ગા સાથે ઝંઝાવાતી 100 રન ફટકારી દીધા હતા.  કુલ્લ નવ ઓવર અને ચાર દડા રમીને લાંબા ગાળા સુધી ક્રિઝ પર ટકી રહેલા વિરાટે ફિલ્ડરોને સતત દોડતા રાખીને  ફાંકડી ફટકાબાજી કરતાં નાઇટ રાઇડર્સની છાવણીમાં સોપો પાડી દીધો હતો.  પાર્થિવ પટેલ (11) અને અકશદીપનાથ (13)ના રૂપમાં માત્ર 59 રનમાં બેંગ્લોરે બે વિકેટ ખોઇ દીધા પછી કોહલીએ સ્કોર બોર્ડને ગતિ આપવા માંડી હતી.  સામો છેડો સાચવી રાખતાં વેગવાન અર્ધસદી ઝુડી દેનાર મોઇનઅલીએ માત્ર 28 દડામાં પાંચ ચોગ્ગા અને છ શાનદાર છગ્ગા સાથે 66 રન ફટકારી દીધા હતા. પૂંછડિયા ખેલાડી માર્કસ સ્ટોઇનીસે અણનમ રહેતાં છેલ્લા દડાઓમાં માત્ર 8 દડામાં 2 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 17 રનનો ઉપયોગી ઉમેરો કર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer