ભાજપને મત એ સૌનું સન્માન

ભાજપને મત એ સૌનું સન્માન
નલિયા, તા. 19 : અહીં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં નિશ્ચિત વિજયનો દૃઢ વિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો હતો. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના પ્રમુખસ્થાને  યોજાયેલા આ સમારોહને  સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી બન્યા છે તે તેમની કામગીરીના કારણે બન્યા છે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે 60 વર્ષ વાદમાં ગુમાવ્યા જ્યારે ભાજપ રાષ્ટ્રવાદમાં માને છે. ઉરી અને પુલવામા હુમલાના બનાવો પછી ભારતને 40 દેશોએ સમર્થન જાહેર કર્યું છે. અમેરિકાને પણ કહેવું પડયું કે,  ભારતને બદલો લેવાનો અધિકાર છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ લઘુમતીને મત તરીકે જુએ છે, જ્યારે ભાજપ માનવ તરીકે માને છે. આ વખતે મત આપવો એ સૌના માટે સન્માન છે. કોંગ્રેસ વાયદો કરે છે, જ્યારે ભાજપ ફાયદો એમ જણાવ્યું હતું. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડાએ પોતે ધારાસભ્ય હતા ત્યારે  નલિયા-નારાયણ સરોવર રોડ વડસર નજીક આવતી ખારી અને મીઠી નદીના કારણે ચોમાસામાં વાહનવ્યવહાર ત્રણેક દિવસ બંધ થઇ?જતો હતો હવે આ રસ્તા બારમાસી બન્યા છે, તો  ગામડાઓમાં વીજળી પુરવઠો બેથી ત્રણ કલાક જ ચાલુ રહેતો હતો, હવે આ બધું ભૂતકાળ બની ગયું છે. ભાજપને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિક્રમસિંહ જાડેજા (વિંઝાણ), લક્ષ્મીબેન, કાનજીભાઇ ગઢવી, કાદરશા બાવા સૈયદ, ખેતશીભાઇ મહેશ્વરી, પરેશસિંહ જાડેજા, હાજી અલાના ભુંગર, માવજીભાઇ ગુંસાઇ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કરી ભાજપના  વિનોદ ચાવડાના  નિશ્ચિત વિજયનો દાવો કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઇ ગઢવી, આભારવિધિ કમલભાઇએ કરી હતી. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ અબડાસા, લખપત, નખત્રાણાના ભાજપના કાર્યકરો, હોદ્દેદારો તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer