આવનારા પાંચ વરસ વધુ આયોજનબદ્ધ કામ કરવાનું લક્ષ્ય

આવનારા પાંચ વરસ વધુ આયોજનબદ્ધ કામ કરવાનું લક્ષ્ય
અંબર અંજારિયા દ્વારા
ભુજ, તા. 19 : આવનારા પાંચ વરસના ગાળામાં કામ કરવાની વધારે મજા આવશે. રાજકીય કારકિર્દી સંસદ સુધી પહોંચ્યા પછી પહેલાં પાંચ વરસમાં ક્ષેત્ર નવું હોવાથી સતત શીખતા રહેવાની સમાંતરે ઘણા કામો કરવાની તક મળી અને સફળતા પણ મળી.' આવા વિચારો વ્યક્ત કરી, `બીજી ટર્મમાં કામની મજા આવશે' તેવા નિવેદન સાથે `કામની કદર' રૂપે ભાજપ દ્વારા બીજી વખત પસંદગી પામેલા કચ્છ-મોરબી લોકસભા બેઠકના યુવાન ઉમેદવાર વિનોદકુમાર લખમશી ચાવડાએ અગાઉ કરતાં `સવાઈ સરસાઈ' મેળવીને ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકસભા ચૂંટણી માટે પુન: પોતાના નામ પર પક્ષે કળશ ઢોળતાંની સાથે જ સતત ચૂંટણી પ્રચાર પ્રવાસમાં દોડવા માંડેલા કેસરિયા પક્ષના ઉત્સાહી નેતાને કચ્છ-મોરબીના પ્રશ્નો કંઠસ્થ હોવાની પ્રતીતિ તેમની સાથેના પ્રચાર પ્રવાસ દરમ્યાન થઈ હતી. આપણી કચ્છ લોકસભા બેઠકની ચૂંટણીને હવે પખવાડિયા કરતાં પણ ઓછો સમય છે ત્યારે પટેલ ચોવીસીના કેરા, બળદિયા, સૂરજપરથી માંડીને કોટડા, વરલી, થરાવડા, કુકમા, ભુજોડી સહિત ગામોના એકધારા શ્રેણીબદ્ધ પ્રવાસ દરમ્યાન ચાલતી કારે વિનોદભાઇએ `કચ્છમિત્ર' સાથે માંડીને વાતો કરી હતી. આરોગ્ય, શિક્ષણ, રોજગારી, કૃષિ, હવાઈસેવાઓ, નર્મદાના નીર સહિતના પ્રશ્નો ઉકેલવાની દિશામાં નક્કર પ્રગતિ થઈ છે અને હજુ નેત્રદીપક પ્રગતિ કરશું તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ભુજ શહેરમાં પોતાના નિવાસસ્થાનેથી નીકળતાંની સાથે જ પહેલાં  ઈષ્ટદેવ લુણંગદેવના દર્શન કર્યા પછી ચૂંટણી પ્રચાર પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.  સવાર કયારે ઊગે છે અને કયારે રાત પડી જાય છે તેની ખબર પણ રહેતી ન હોય, એ હદે સતત વ્યસ્ત રહેતા કચ્છ લોકસભા બેઠકના આ યુવાન ઉમેદવાર પ્રચાર  દરમ્યાન પોતાની કારમાં બેઠા હોય ત્યારે પણ જંપીને બેઠા ન હોય. વિનોદભાઇના મોબાઈલની ઘંટડી અવિરત રણકતી રહેતી હતી. જરા પણ મિજાજ ખોયા વિના પહેલી રિંગ વાગતાં જ ફોન રિસિવ કરીને શાંત ચિત્તે જવાબ આપે. કારમાં બેઠા-બેઠા નેતાઓ, કાર્યકરો સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં રહી રોડ શો, સભાઓ સહિતના ભાવિ પ્રચાર આયોજનોના સ્થળ, સમય, રૂપરેખા નક્કી કરવામાં જરા જેટલું પણ આળસ નહીં ! સતત બોલતા રહેવાથી થાકી જતાં ગળાને રાહત આપવા માટે સાથે રાખેલી જેઠી મધની લાકડી કાઢીને ચૂસે.. સતત સ્વસ્થતા જાળવી રાખવાની સતર્કતા સાથે ગામડાંઓમાં અનૌપચારિક રીતે સ્વયંભૂ એકઠી થઈ જતી મતદાર મેદનીને સંબોધતાં ભાજપને જ પુન: જનાદેશ આપવા માટેના તર્કસંગત કારણો ભાષણોમાં વર્ણવે. કચ્છમિત્ર સઘન દોડધામના સાક્ષી બનવા તેમની સાથે જોડાયું એ દરમ્યાન શ્રી ચાવડાએ પાંચ વરસમાં કરેલી કામગીરીનું સરવૈયું રજૂ કર્યું હતું. સમાંતરે `ફયુચરવિઝન' એટલે કે ભવિષ્યમાં શું વધુ સારું કરવું છે તેની દ્રષ્ટિથી પણ?મૂળ સુખપર રોહાના સપૂતે `કચ્છમિત્ર'ને વાકેફ કર્યું હતું. રોજગારી કોઈપણ ક્ષેત્રના વિકાસ માટે અત્યંત મહત્ત્વનો મુદ્દો હોવાનું સ્વીકારતાં વિનોદભાઇએ કહ્યું હતું કે મુદ્રા યોજના હેઠળ ધિરાણ મેળવનાર કચ્છના 28 હજાર યુવાનોને રોજગારીની તક ઊભી કરી આપવામાં નિમિત્ત બનવાનો આનંદ છે. ભુજ તાલુકાના મિરજાપર પાસે ખાસ ઊભા કરાયેલા કેન્દ્રમાં યુવાનોને પદ્ધતિસરની તાલીમ આપીને જાતે રોજગાર કરતા થાય તેવા પ્રયાસો જારી છે. આવા કેન્દ્રમાં ટ્રેઈનિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ એટલે કે તાલીમ અને ક્ષમતા, કૌશલ્યવર્ધનની કામગીરી કરીને રોજગારના ચિત્રને વધુ ઊજળું બનાવવા શાસન સતત પ્રયત્નશીલ છે તેવું તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને કચ્છ, મોરબીમાં ધમધમી રહેલા સ્થાનિક ઉદ્યોગોની માંગ મુજબનું માનવબળ તૈયાર કરવાના હેતુ સાથે યુવાનોને યાંત્રિક તાલીમ આપવા સાથે રોજગાર મેળા યોજવા છે. એટલું જ નહીં પરંતુ એક વરસમાં કમસેકમ બેવાર ઉદ્યોગો, ઔદ્યોગિક સંગઠનો સાથે બેઠકો યોજીને તેમની જરૂરિયાત જાણવાનું આયોજન કરવાની નેમ પણ શ્રી ચાવડાએ વ્યક્ત કરી હતી. બીજીવાર જનાદેશ મળ્યા પછી દેશની સંસદમાં કચ્છ-મોરબી વિસ્તારોનું મજબૂત પ્રતિનિધિત્વ કરીને ઢગલાબંધ કામો કરવા છે તેવી  ચાલતી વાતોમાંને વાતોમાં અચાનક કાર રસ્તાની એકબાજુ જઈને ઊભી ગઈ. કેરા ગામે પહોંચ્યા હતા જ્યાં ચૂંટણીસભા સંબોધવાની હતી. કારમાંથી નીચે ઊતરતાંની સાથે જ સમર્થકો, કાર્યકરો, ટોળે વળ્યા હતા અને હાર-તોરા, શાલ, પુષ્પગુચ્છથી યુવા નેતાનું સ્વાગત કર્યું હતું. કેરા ગામના સ્વામિનારાયણ મંદિર પાસે કોઈપણ સ્ટેજ-મંડપની ઔપચારિક વ્યવસ્થા વિના એક ઓટલા પર ગોઠવાઈ ગયેલા ભાજપના ઉમેદવારે સામે ઊમટેલા વિવિધ વર્ગ, સમાજ, વ્યવસાયના લોકોને સંબોધતાં જાતિવાદ નહીં, પરંતુ રાષ્ટ્રવાદને જનાદેશ આપવાની અપીલ કરી હતી. વર્તમાન સાંસદને સમર્થનની સાથોસાથ તેમનો ઉત્સાહ વધારવા માટે પહોંચી આવેલા રાજ્યપ્રધાન વાસણભાઈ આહીરે પણ સભા સંબોધતાં જણાવ્યું હતું કે પહેલીવાર ચૂંટાઈ આવ્યા પછી રાજનીતિનું નવું ક્ષેત્ર હોવા છતાં સતત શીખતા રહી રોજ નવું જાણવા અને સતત કામ કરતા રહેવાના વલણે વિનોદભાઈને લોકપ્રિય બનાવ્યા છે. પગવાળીને જરાપણ બેઠા વિના જનહિત માટે સદૈવ દોડતા યુવાનેતાને પુન: સંસદમાં મોકલવાની હાકલ વાસણભાઈએ કરી હતી. સમર્થકો, કાર્યકરોના કાફલા સાથે કેસરિયા પક્ષના ઉમેદવારનો ચૂંટણીપ્રવાસ કેરાથી આગળ વધીને બાજુમાં બળદિયા ગામે પહોંચ્યો હતો. પાણીના અવાડા પાસેના ઘેઘૂર વડલા નીચે ગોઠવાઈ ગયેલી `નાનકડી લોકસભા'ને સંબોધન કર્યું હતું. આ નાનકડા ગામમાં પણ મોટી સંખ્યામાં સભા સ્થળે વહેલી સવારથી પહોંચીને રાહ જોતા ગામના વિવિધ વર્ગના આગેવાનો સામાન્યજનોએ સુખપર-રોહાના સપૂતનું સ્વાગત ઉલટભેર કર્યું હતું. સભા બાદ આગળ વધેલો કાફલો અન્ય નાના ગામડાઓ તરફ રવાના થયો હતો. કેરા, બળદિયા બાદ સૂરજપર પછી કોટડા, વરલી, થરાવડા ત્યાંથી કુકમા, ભુજોડી સહિતના ગામોમાં એક સાથે ફરી વળતાં યુવા સાંસદે ઠેરઠેર રચાઈ ગયેલી સંસદોને સંબોધીને કિંમતી મત માગ્યા હતા. એક સાથે કયાંય પણ વિરામ વિના 10થી 12 ગામડાઓ ખૂંદી વળેલા યુવાનેતાએ આ ચૂંટણી પ્રવાસ દરમ્યાન સફર ચાલી રહી હોય ત્યારે કારમાં વાતો કરતાં કરતાં વિવિધ વિકાસ કાર્યોની વાતો આગળ ધપાવી હતી. આરોગ્યના ક્ષેત્રમાં હજુ ઘણું કામ કરવાની મારી ઝંખના છે તેવું કહેતાં વર્તમાન સાંસદ જણાવે છે કે એઈમ્સની સમકક્ષ હોસ્પિટલ કચ્છમાં ઊભી કરવા માટે અસરકારક દરખાસ્ત કરવી છે. આ એક એવી હોસ્પિટલ હશે જેમાં કેન્સર જેવા ગંભીર દર્દના કમસેકમ નિદાન સહિત પાયાની તેમજ સર્વગ્રાહી આરોગ્ય સંભાળની સુવિધાઓ ઘરઆંગણે જ મળી રહેવાની. દુર્ગમ ગ્રામીણ ક્ષેત્રોના દરિદ્રનારાયણ દર્દીઓને સૂરજબારી પુલ ઓળંગવાની જરૂર જ નહીં પડે.  વધુમાં કચ્છના કિસાનો અને કૃષિની ચિંતા દર્શાવતાં કર્મે કિસાન પિતાના પુત્રને પુન: ચૂંટાયા પછી 18 કિલોમીટરની નર્મદાની કેનાલનું બાકી કામ, ટપ્પર, અંજારથી મોડકૂબા લઈ જવાનું કામ વિના વિલંબે એક વર્ષની અંદર ચાલુ કરીને પાર પાડવાની પ્રાથમિકતા છે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વધુમાં ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય બનાવી પ્રારંભિક તબક્કે આફ્રિકા, ઓમાન જેવા દેશો સાથે કચ્છને જોડતી હવાઈસેવા, નલિયા બ્રોડગેજ લાઈન, ભુજ રેલવે મથક અપગ્રેડ કરવા સહિતની પ્રવૃત્તિઓથી સ્થાનિક જનતાની સુવિધા વધારવાની સમાંતરે પ્રવાસનને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા પણ તેમણે બતાવી છે. ખાસ તો `સ્માર્ટ સિટી'ની પહેલને અમલીકરણના નક્કર તબક્કા સુધી લઈ જવાના પ્રયાસોને પણ બીજી ટર્મમાં પ્રાથમિકતા આપવાની ઉત્કટ ઝંખના સાંસદે વ્યક્ત કરી હતી. વધુમાં કચ્છની કૃષિનો દુનિયાભરમાં ડંકો વગાડવાની દિશામાં નક્કર પગલાં રૂપે દરિયાઈ તેમજ હવાઈમાર્ગે વિવિધ નામી ખેતપેદાશોની નિકાસ માટેની મજબૂત વ્યવસ્થા ગોઠવવાના પ્રયાસોને પણ વિનોદભાઈએ ભાવિ આયોજનોમાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે. રાજ્યમંત્રી વાસણભાઈ આહીરથી માંડીને જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ સુધીના સંગઠનના પદાધિકારીઓ, ટોચના નેતાઓ ટોચના નેતૃત્વ તેમજ જનતા સાથે સતત સંપર્કમાં રહે છે. કાર્યકરો રાત-દિવસ સામાન્યજન સાથે રહીને પ્રશ્નો ઉકેલવા તત્પર રહે છે તેવું કહેતાં ભારતીય જનતા પાર્ટી તરફથી મળી રહેલા સાથ, સહકાર, માર્ગદર્શન બદલ વિનોદભાઈએ સંગઠન પ્રત્યે આભારની લાગણી દર્શાવી હતી. ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમ્યાન ચાલેલી `મેરેથોન મુલાકાત'ના અંતમાં યુવા સાંસદ વિનોદ ચાવડાએ એટલું જ કહ્યું  હતું કે મારો આ પ્રવાસ પ્રચાર પૂરતો જ સીમિત નહીં રાખતાં પરિણામ પછી પણ જારી રહેશે તેવો કોલ આપું છું. દેશની સંસદમાં જવાની પુન: તક મળ્યા પછીયે મારા ગામની સીમને કદી ભૂલીશ નહીં.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer