પાંચ વર્ષથી પરેશાન મતદારોનો મિજાજ આ વખતે કોંગ્રેસને જનાદેશ આપશે

પાંચ વર્ષથી પરેશાન મતદારોનો મિજાજ આ વખતે કોંગ્રેસને જનાદેશ આપશે
કૌશલ પાંધી દ્વારા
ભુજ, તા. 19 : ગામેગામ આયોજનપૂર્વક આગળ વધવું છે... ગામના પક્ષના અગ્રણીઓના સંપર્કમાં રહેજો, આપણે લોકોની વચ્ચે જવું છે એટલે એ જ રીતની તમામ વ્યવસ્થા ગોઠવજો..સવારથી જ ફોન પર આ રીતની સૂચનાઓ વ્યવસ્થાના ભાગરૂપે કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઇ મહેશ્વરી દ્વારા પક્ષના કાર્યકરોને અપાતી હતી.  લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છમાં જોઇએ તેવો હજી માહોલ બન્યો નથી. પણ રાજકારણ સાથે સંકળાયેલા પક્ષો  દ્વારા માહોલ જમાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આવા જ પ્રયત્નો અંતર્ગત કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઇની સાથે માંડવી તા.ના પ્રવાસ અંતર્ગત થોડા ગામોનો પ્રવાસ ખેડી તેમની તથા પક્ષની જીતના દાવાનું કારણ જાણવા કચ્છમિત્રએ પ્રયાસ કર્યો હતો.  અગાઉથી નક્કી થયા મુજબ જ ભુજ હાઇવે પર પ્રિન્સ રેસિડેન્સી નજીક ચારથી પાંચ ગાડીના કાફલા પાસે પહોંચતાં જ સરળ અને શાંત સ્વભાવના વ્યક્તિત્વ ધરાવતા ક્રિમ ઝબ્બામાં અને સફેદ સલવારમાં સજ્જ નરેશભાઇએ કચ્છમિત્રને આવકાર આપ્યા બાદ વાતાનુકૂલિત કારમાં કાફલાએ માંડવી તા.ના ગામોની વાટ પકડી.  કચ્છ લોકસભા બેઠક પર 1996થી 2014 સુધી ભાજપની વણથંભી જીતને અટકાવવા કોંગ્રેસ ક્યા આધારે દાવો કરી રહી છે તેવો સવાલ કરતાં જ નરેશભાઇએ ભાજપની નિષ્ફળતા વર્ણવવાનું શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ગઇકાલે જ મોરબીના પ્રવાસ દરમ્યાન લોકોનો કોંગ્રેસતરફી મિજાજ હોવાનું સ્પષ્ટ અનુભવાય છે. માળિયા પટ્ટો પાકના વીમા મુદ્દે ભાજપથી સખત નારાજ છે. ઉદ્યોગો પડી ભાંગ્યા છે. બેરોજગારી દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે સરકાર ગરીબ મેળાની ઉજવણીમાં મસ્ત છે પણ ગરીબી દૂર નથી કરી શકી.  વાતનો દોર આગળ વધારતાં સ્થાનિક કક્ષાએ સંસદ સભ્ય, ચાર-ચાર ધારાસભ્યો, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં ભાજપની સત્તા છતાં કચ્છની સમસ્યા કાયમ રહી છે. છેલ્લા પાંચ વર્ષથી લોકોમાં કેન્દ્રની નીતિ સામે નારાજગી છે. મોંઘવારીમાં દરેક વર્ગ પીસાઇ રહ્યો છે. જેને ડામવા સરકાર નિષ્ફળ ગઇ છે. આજના સમયમાં ભણતરનો ખર્ચ તો તમને ખ્યાલ જ હશે તેવો સામો સવાલ કરતાં શ્રી મહેશ્વરીએ ઉમેર્યું  કે, પરિવાર પેટ પર પાટા બાંધી બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવે પણ હાલમાં આવા અનેક શિક્ષિત યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. ભરતી કૌભાંડ છાનું નથી જેથી યુવાનોનો ભરોસો ભાજપ પરથી ઊઠી ગયો છે.  ભાઇ ગાડી જરા સાઇડમાં લેજો..અને રામપર ગામે ઓટલા નજીક લોકોના સમૂહ તરફ ગાડી બ્રેક થઇ તે સાથે જ સ્પીકર સાથેના ખાસ વાહનમાં ગીત શરૂ થઇ ગયું -આવે છે ભઇ આવે છે કોંગ્રેસ આવે છે..નરેશભાઇ આવે છે.. ગાડીનો દરવાજો ખોલતાં જ અગ્રણીઓ દ્વારા નરેશભાઇને સન્માનભેર આવકારાયા. ન વાવટા ન મંડપ કે ન કોઇ જાજરમાન વ્યવસ્થા..અને ગામના ઓટલે જ નરેશભાઇ લોકોને મળી વડીલોના આશિર્વાદ મેળવી ઓટલા પરથી જ ઉપસ્થિતોને સંબોધ્યા..  ફરી ગાડીઓ સાથેનો કાફલો ગઢશીશા જવા રવાના થયો..અધૂરી વાતનો છેડો સાધતાં જ નરેશભાઇએ કહ્યું કે, આ વખતે મોદી લહેર ક્યાંય નથી. નર્મદાનું મુખ્ય કામ કોંગ્રેસની સરકારે કર્યું પણ જ્યાંથી બાકી રહ્યું તે આજ સુધી ભાજપ પૂર્ણ નથી કરી શકયો. માત્ર ઊંચાઇનો પ્રશ્ન જ કાયદાકીય રીતે અટક્યો હતો બાકી કામ તો થઇ શક્યું હોતને? તેમ કહી ભાજપની સરકારે 23 વર્ષમાં એક પણ ડેમ બનાવ્યો નથી અને સિંચાઇ માટે એક પણ કાયમી કામ ન કર્યું હોવાનું જણાવી કચ્છના પ્રાણપ્રશ્ન એવા પાણીની પીડા પર પ્રકાશ પાડયો હતો. સિંચાઇના પાણી અને ટેકાના ભાવ મળે તો કિસાન ઊભો થઇ શકે તેમ છે. અનેક જગ્યાએ ખેડૂતો માર્ગ પર ઊતરવા મજબૂર બન્યા છે.  જય જવાન જય કિસાનનું સૂત્ર કોંગ્રેસે જ સાર્થક કર્યું હોવાનું કહ્યું હતું.  ભાજપ વિકાસનો દાવો કરી રહ્યો છે તેના વિશે શું કહેશો- તેવું જણાવતાં જ સ્થાનિક મુદ્દાઓ તરફ ધ્યાન દોરી  કહ્યું કે, હમીરસર તળાવ સુશોભિકરણ લાંબા સમયથી ઘોંચમાં પડયું છે. ઓવર બ્રિજનું કામ સાત વર્ષથી ટલ્લે ચડયું છે. ટોલટેક્સની મંજૂરી આપી સરકારે લોકોને લૂંટવાનું કામ કર્યું છે.  કચ્છ મુખ્યત્વે ખેતી, પશુપાલન પર આધારિત છે. આ બાબત ધ્યાને લઇ કચ્છ ડેરીની સ્થાપના કોંગ્રેસે કરી જેનું ખાનગીકરણ ભાજપે કર્યું તેવો ચાબખો વિંજ્યો હતો. પાનધ્રો લિગ્નાઇટ ખાણ સરકારે બંધ કરી. આયાતી કોલસાને પગલે મુશ્કેલી વધારી. ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં એક ગાડીએ 10થી 12 પરિવારનું ગુજરાન થતું હોય છે. આ પરિવારો હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે. 2014માં અંદાજે 2.50 લાખ મતોની લીડ સાથે ભાજપની જીત વિશે શું કહેશો તેમ પૂછતાં જ શ્રી મહેશ્વરીએ જણાવ્યું કે, કોંગ્રેસના ઉમેદવાર પીઢ અને અનુભવી હતા. પણ ભાજપે સ્થાનિક ન હોવાનો મુદ્દો ચગાવ્યો જેથી નુકસાન થયું. રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન પદે આરૂઢ થાય તે માટે લોકોએ આશિર્વાદ આપી દીધા. ચૂંટણી આવે એટલે રામમંદિર તો ક્યારેક નર્મદા જેવા મુદ્દા ભાજપ આગળ ધરતો હોય છે. પણ 2015માં જ લોકોની ભાજપ પર આશા ઠગારી નીવડી અને ત્યારબાદ રાજ્યમાં કોંગ્રેસ પર લોકોએ વિશ્વાસ મૂક્યો અને પરિણામોમાં ભાજપની લીડ ઘટી. વાંઢાય આવતાં જ ફરી ગાડી થંભી અને નરેશભાઇએ હસ્તધૂનન સાથે પક્ષના અગ્રણીઓને મળી થોડી વાર પ્રચારકાર્યની ચર્ચા કરી. ફરી ગાડીનો સેલ લાગ્યો અને કાફલો નિયત સ્થળે પહોંચવા આગળ ધપ્યો. કોંગ્રેસની સરકાર આવે તો લોકો માટે શું જોગવાઇ કરશો તેના ઉત્તરમાં જણાવ્યું કે, 15 લાખ ખાતામાં આવશે તેવી વાતો નહીં કરીએ. પણ તાયફાઓનો ખર્ચ બચાવી તેનો સીધો લાભ લોકોને આપશું. દર મહિને 6000 ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને અપાશે. ખાસ કરીને આ રકમમાં મહિલાઓને પ્રાધાન્ય અપાશે. ગઢશીશા પહોંચતાં જ ગાડી અંબાજી મંદિર તરફ વળી અને નરેશભાઇએ ચંદુમાનું સન્માન કરી વિજયના આશિર્વાદ મેળવ્યા બાદ જૈન મહાજનવાડીમાં સભા સંબોધી. ભાજપના અગ્ર હરોળના નેતાઓ કચ્છમાં સભાઓ ગજવી રહ્યા છે પણ કોંગ્રેસના તો રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવી ગયા. આ ઉપરાંત આગામી દિવસોમાં સંભવત: શત્રુઘ્ન સિંહા, નવજોત સિદ્ધુને લાવવાનું આયોજન છે.2.70 લાખ આસપાસ મતદારો ધરાવતા મુસ્લિમ સમાજના અમુક અગ્રણીઓ નારાજ હોવાની વાત અને પ્રચારમાં ગેરહાજરી કેટલું નુકસાન કરશે તેમ પૂછતાં શ્રી મહેશ્વરીએ જણાવ્યું કે, કોંગ્રેસ એક જ છે. બધી શકિત એક જ જગ્યાએ ન રોકાય તે માટે અલગ-અલગ પ્રચારનું આયોજન ગોઠવાયું છે અને કોઇ નારાજગી ન હોવાનું ઉમેર્યું  હતું. તેમણે ઉમેર્યું કે આ વખતે લાંબા અરસા બાદ કોંગ્રેસના ટોચના નેતાઓથી લઇને કાર્યકરો સુધી સંગઠિત રીતે કામ કરી રહ્યા છે. કેન્દ્રમાં રાહુલ ગાંધીના સઘન પ્રચાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ પરના હલ્લાબોલની અસર કચ્છના મતદારોના મન ઉપર છે. લોકોએ આ વખતે ફરી એકવાર કોંગ્રેસને તક આપવાનું મન બનાવી લીધું છે.ભુઠ્ઠીપીરની દરગાહે માથું ટેકવી શેરડી પહોંચતાં ચાની હોટલમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું. ઉપસ્થિત અગ્રણીઓની શુભેચ્છા મુલાકાત બાદ ભાડઇના બસ સ્ટેશને નરેશભાઇને હાર પહેરાવી ઉમળકાભેર આવકાર અપાયો. ત્યાંથી કાફલો ડોણ, દુર્ગાપુર સહિત માંડવી તા.ના ગામોના પ્રવાસે રવાના થયો. પ્રવાસ દરમ્યાન પક્ષના અગ્રણીઓ, કાર્યકરોના ફોનના મારા વચ્ચે વ્યવસ્થાના સૂચનો સાથે 30 વર્ષ ઉપરથી સામાજિક-રાજકીય ક્ષેત્રમાં પદાર્પણ કરનારા નરેશભાઇએ શાંતચિત્તે સવાલોના જવાબો આપી પાકટ રાજકારણીનો પરિચય આપ્યો હતો.આ પ્રવાસમાં ગઢશીશાથી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા.  આ તકે શ્રી જાડેજાએ ભાજપ સરકારની નીતિ-રીતિ સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે લોકોની હાલત કફોડી બની ગઈ છે. કચ્છમાં અત્યાર સુધી થયેલા પ્રવાસમાં તથા મોરબી મુલાકાતે લોકોએ ભાજપની સરકાર પ્રત્યેરોષ વ્યક્ત કરી કોંગ્રેસને પ્રચંડ બહુમતીથી ચૂંટણીમાં વિજયી બનાવવા નિર્ધાર વ્યક્ત કર્યો હોવાનું ઉમેર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer