સંકટમોચન હનુમાન જયંતીની કચ્છભરમાં ઉજવણી

સંકટમોચન હનુમાન જયંતીની કચ્છભરમાં ઉજવણી
ભુજ, તા. 19 : સંકટમોચન હનુમાન જયંતીની શુક્રવારે કચ્છભરમાં  ધ્વજારોહણ, શોભાયાત્રા, પૂજા, અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ, સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ સાથે ઉજવણી કરવામાં આવી હતી. - પડદાભિટ્ટમાં મેળો - શહેરના પડદાભિટ્ટ હનુમાન મંદિરે સવારથી જ દર્શનાર્થીઓની ભીડ ઊમટી હતી, તો સાંજે પરંપરાગત મેળો યોજાયો હતો. જેમાં મહિલાવર્ગ બાળકો સાથે ઊમટી પડયો હતો.- દાંડીવાળા હનુમાન- શહેરના ભીડનાકા બહાર પ્રાચીન દાંડીવાળા હનુમાન મંદિરે સવારથી પૂજા, અર્ચન, સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ સાથે મહાઆરતી સહિતના  કાર્યક્રમો યોજાયા હતા, તો મહાદેવ નાકા સ્થિત ખાખચોક ખાતે આવેલા પુરાણા મંદિરે ભક્તોએ હનુમાનજીની પૂજા-અર્ચના કરી હતી.- ભુજ : એકતા સોસાયટીની બાજુમાં આવેલા સ્વયંભૂ દૂધેશ્વર (બિહારીલાલ) મંદિરમાં હનુમાન જયંતીએ નંદુ મહારાજના આચાર્યપદે મહંત  રામદાસજી મહારાજ (મૌનીબાપુ) દ્વારા હનુમાનજી મહારાજનું પૂજન, અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નિકુંજભાઇ ધોળકિયા ગ્રુપ દ્વારા સંગીતમય શૈલીમાં એકસો અગિયાર પાઠ `સમૂહ હનુમાન ચાલીસા' કરવામાં આવ્યા હતા. બપોરે બાર કલાકે પૌરાણિક મહાઆરતી ત્યારબાદ સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
સત્યમ દ્વારા  આજના દિને પ્રથમ હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. આ તકે સત્યમના મધુકાંત ત્રિપાઠી, વી. આર. મહેતા, વિભાકર અંતાણી તેમજ દિવાળીબેન ગામોટ, નર્મદાબેન ગામોટ, જયશ્રીબેન ત્રિપાઠી તેમજ અન્યો હાજર રહ્યા હતા. કુંવરજીભાઇ પટેલ પરિવારે મોદક લાડુની વ્યવસ્થા કરી આપી હતી. કપડાંનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. -દેશલપર-વાંઢાય (તા. ભુજ) : અહીંના વડવાળા હનુમાન મંદિરે ધ્વજારોહણ, આરતી પૂજન, સંધ્યાપાઠ, ભજન સહિતના કાર્યક્રમો ભક્તિભાવ પૂર્વક યોજાયા હતા. બ્ર. સંત વાલરામજી મહારાજની પ્રેરણાથી નિર્મિત્ત આ મંદિરે સાંજે જીતુ ભગતની નિશ્રામાં સંધ્યાપાઠ સત્સંગ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિકોની હાજરીમાં હનુમાન ચાલીસાના પાઠનું પઠન તથા રાત્રે બાબુભાઇ સતસંગ (અંગિયા), જયશ્રીદેવી (સાધ્વીજી) નાગલપર, જીતુ ભગતની સંતવાણીની રમઝટમાં ભજનો તથા પવનસુત મહાવીરના પદો ગવાયાં હતાં. - મુંદરા : નગરના રોકડિયા હનુમાન મંદિરે પંચકુંડી સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રમુખ ગિરીશભાઇ ઠક્કર તરફથી મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી. સવારથી બપોર સુધી સુંદરકાંડની અને હનુમાન જયંતીની વ્યવસ્થામાં ટ્રસ્ટી તુષારભાઇ પટેલ અને સાથીદારોએ સહયોગ આપ્યો હતો. - જ્યારે સાંજે ભદ્રેશ્વર સ્થિત રોકડિયા હનુમાન મંદિર સ્થિત હોમાત્મક સુંદરકાંડના પાઠનું આયોજન અને સમૂહ પ્રસાદની વ્યવસ્થા મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઇ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. પ્રાચીન હરિવાલા હનુમાન સહિતના હનુમાન મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ, પૂજા, આરતી કરી અંજનીપુત્રની આરાધના કરવામાં આવી હતી. - કોટડા-જ. (તા. નખત્રાણા) અહીંના વિષ્ણુ સમાજ દ્વારા ગામમાં આવેલી 14 હનુમાનજી દેરીએ ધ્વજારોહણ, આરતી પૂજન તેમજ પંચમુખા હનુમાન મંદિરે સાંજે હવન, મહાપ્રસાદનું આયોજન કમલેશગિરિની આગેવાનીમાં કરાયું હતું. મહાપ્રસાદના દાતા કિશોર શામજી પોકાર (ઉખેડા) રહ્યા હતા. જ્યારે વિષ્ણુ સમાજ દ્વારા આયોજિત ઉત્સવમાં પૂજન, આરતી બાદ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. શ્રીરામ પરિવારના વેશભૂષામાં દિલીપભાઇ ખેતાણી પરિવાર રહ્યા હતા. રાત્રે મોટી સમાજવાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. વિષ્ણુ સમાજના પ્રમુખ વિજ્ઞેશ દૈયા, બન્ટી સોની, પરાગ ખેતાણી તેમજ સૌ ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. - પાલારા (તા. ભુજ) : શહેરના ઉત્તરાદે ખાવડા માર્ગે આવેલા પાલારા યાત્રાધામ સ્થિત બજરંગબલી જયંતીની ભક્તિભાવથી ઉજવણી કરાઇ હતી.  વહેલી સવારે સીતા શોકવિનાશનની પૂજા-અર્ચના બાદ હનુમાન ચાલીસાના પાઠ, સંકટમોચન હનુમાષ્ટક-મત્તગયન્દ છંદ, હનુમાનજીની આરતી, શ્રીરામ સ્તુતિ, ધ્વજારોહણ વિ.નું ગાયન-પઠન કરાયું હતું. મંદિર શણગાર માટે સ્વ. ધનુબેન જેઠાલાલ સોલંકી, પ્રભુ શણગાર માટે શિલ્પાબેન નીલેશ ગણાત્રાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. પાલારા વાડી વિસ્તારના ભાવિકોનો સહકાર સાંપડયો હતો. દહીંસરામાં હનુમાન મંદિરે હવન - દહીંસરા (તા. ભુજ) : ગામના ચોકી ઓટલા નજીક આવેલા હનુમાનજીના મંદિરે પૂજા-હવનવિધિ શિવ મંદિર ટ્રસ્ટના સહયોગથી યોજાઇ હતી. હવનવિધિમાં ગામલોકો હોંશભેર ભક્તિભાવે જોડાયા હતા.
છબીલા હનુમાન મંદિરે પ્રાણપ્રતિષ્ઠા - લોડાઇ (તા. ભુજ) : અહીંના નીલપર કોલીવાસ ખાતે કોલી પરિવાર દ્વારા સવારે 8.30 વાગ્યાથી બે દિવસ હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. માનકૂવા ગામના હરિશંકર મારાજ, અંબાશંકર મારાજ તથા કુંજશંકર મારાજ દ્વારા હવન-હોમની શરૂઆત કરાઇ હતી તેમજ હનુમન જયંતીએ શોભાયાત્રા કાઢી વિધિવત પ્રાણપ્રતિષ્ઠા કરી છબીલા હનુમાનજી મહારાજને બિરાજમાન કરવામાં આવ્યા હતા. ધાર્મિકતાના માહોલ સાથે સૌ ભક્તોએ-લોકોએ પ્રસાદ લઇ દર્શનનો લાભ લીધો હતો. -રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં અંજનિપુત્ર-પવનપુત્ર, રામભક્ત હનુમાનજી મહારાજના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણિક મહત્ત્વ ધરાવતા રાપર શહેરમાં આવેલા રાપરિયા હનુમાન મંદિર, મોટાવાસ ખાતે કચ્છ જિલ્લા રામાનંદી સાધુ સમાજ દ્વારા સમાજના પ્રમુખ?ડો. કે.જી. વૈષ્ણવ, ભાવેશભાઇ?સાધુ, મુખ્ય યજમાન ગોવિંદરામ સાધુ, રાપર સાધુ સમાજના પ્રમુખ નવીનભાઇ સાધુ, ગોવિંદભાઇ સાધુ (નીલપર), વિક્રમ સાધુ, વામન સાધુ, દીપક સાધુ સહિત રામાનંદી સાધુ સમાજના પરિવારજનો કચ્છ, મુંબઇ, અમદાવાદ, સૌરાષ્ટ્ર, દ. ગુજરાત સહિતના વિસ્તારોમાંથી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જગુભા જાડેજા, બજરંગ દળ સહિત તમામ સનાતન ધર્મના ભાવિકો ઊમટી પડયા હતા. બપોરે મહાઆરતી, 111 કિલોના લાડુ સાથે દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત મહાપ્રસાદ યોજાયો હતો. રાપર શહેર ઉપરાંત આડેસર, નીલપર, દીપડિયા મઢી, સુરસર સહિતના અનેક મંદિરો હનુમાનજી મહારાજના જયઘોષથી ગૂંજી ઊઠયા હતા. -સાળંગપુર (બોટાદ) : આ સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે સવારે 9 કલાકે મૂર્તિનો અભિષેક, 2,000થી વધુ યજમાનો દ્વારા દાદાના સમૂહયજ્ઞ-પૂજન સવારે 7 કલાકે તથા દાદાના આરતી તથા અન્નકૂટ દર્શન બપોરે 12 કલાકે સહિતના કાર્યક્રમો યોજાયા હતા. હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. ચાલુ વર્ષે સમૂહયજ્ઞ પૂજનનો મહિલાઓએ પણ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.  મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી ગુરુ મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) તથા સંતમંડળ દ્વારા મહોત્સવનું સંચાલન કરવામાં આવ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer