ચૈત્રી પૂનમે પિતૃતર્પણ અર્થે તીર્થધામ નારાયણ સરોવરમાં ભાવિકો ઊમટયા

ચૈત્રી પૂનમે પિતૃતર્પણ અર્થે તીર્થધામ નારાયણ સરોવરમાં ભાવિકો ઊમટયા
નારાયણ સરોવર (તા. લખપત), તા. 19 : હિન્દુ શાત્રોમાં કારતક અને ચૈત્ર માસને પિતૃઓનો મહિનો ગણવામાં આવે છે. આ બે મહિના દરમ્યાન પિતૃઓના મોક્ષાર્થે તર્પણ, શ્રાદ્ધ આદિ વિધિઓ કરવામાં આવે છે. આ અંતર્ગત આજે ચૈત્રી પૂનમે તીર્થધામ નારાયણ સરોવર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડયા હતા. ભારતના ચાર ખૂણે આવેલા ચાર સરોવર પૈકીના અહીંના નારાયણ સરોવર તીર્થ ખાતે ચૈત્રી પૂનમે આવેલા ભાવિકોએ  પોતાના પિતૃઓને પાણીનું અર્ઘ્ય  આપી અંજલિ આપી યાદ કર્યા હતા. ગત વર્ષે કચ્છમાં અપૂરતા વરસાદનાં કારણે આ સરોવર ખાલી રહ્યું હતું અને હાલ નહીંવત પાણી છે તેમ છતાં યાત્રાળુઓએ તર્પણવિધિ કરાવી હતી. નારાયણ સરોવરના ઉપસરપંચ સુરૂભા જાડેજાએ જણાવ્યું હતું કે, ચૈત્ર માસે અહીં તર્પણનું વિશેષ મહત્ત્વ હોવાથી યાત્રાળુઓ આવતા હોય છે. તેથી સરોવરમાં બચેલું થોડું ઘણું પાણી ખરાબ થઇ ગયું છે, પરંતુ થોડા સમયમાં જી.એમ.ડી.સી.ના સહયોગે આ ગંદું પાણી ઉલેચી લેવામાં આવશે. ચૈત્રી પૂનમ નિમિત્તે ભગવાન ત્રિવિક્રમરાયજી મંદિરમાં કુકમાના ટાંક પરિવાર અને આદિપુરના આહીર પરિવાર દ્વારા ધામધૂમથી ધ્વજા ચડાવવામાં આવી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer