કચ્છમાં અકસ્માત-આપઘાતથી છ જણ કાળનો કોળિયો

ગાંધીધામ, તા. 19 : પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માત અને અકસ્માત મોતના જુદા જુદા છ બનાવમાં ચાર યુવાનો અને એક યુવાન પરિણીતા તથા વૃધ્ધા સહિત અડધો ડઝન જિંદગીઓ કાળનો કોળિયો બની ગઈ હતી. ભુજ તાલુકાના માધાપર પાસે કાર પલટી ખાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં રવિરાજસિંહ જયવીર સિંહ રાણા (ઉ.વ.30 રહે. દ્વિધામેશ્વર કોલોની)નું મોત નીપજયું હતું. જયારે રાપર તાલુકાના ગેડી પાસે બાઈક સ્લીપ થતાં ચાલક બાબુ છગન કોલીનું ગંભીર ઈજાઓથી તત્કાળ મોત નીપજયું હતું. આદિપુરમાં 35 વર્ષીય યુવાન રામા લક્ષમણ રાઠોડ મારવાડીએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી હતી. જયારે ભચાઉમાં વીજશોકથી સાગર પ્રેમજી પટેલનું તત્કાળ મોત નીપજયું હતું. જયારે ભચાઉ તાલુકાના જંગી ગામની દાઝી ગયેલી યુવાન પરિણીતા નવલબેન વેરશી ચાવડા (ઉ.વ.35)નું અને ભુજ તાલુકાના સામત્રા ગામના દાઝી ગયેલા વૃધ્ધા મીઠીબેન શિવજી સુથાર (ઉ.વ.65)નું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ માધાપર નજીક માર્ગ અકસ્માતનો બનાવ ગઈકાલે મોડી રાત્રિના  11.15 વાગ્યાના અરસામાં હોટલ કલાપી  પાસે બન્યો હતે. ભુજ કલેકટર કચેરીના કર્મચારીઓ ભુજથી માધાપર તરફ જઈ રહ્યા હતા તે અરસામાં અચાનક કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર હતભાગી રવિરાજને માથા સહિતના ભાગમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પૂર્વે જ તે કાળનો કોળિયો બની ગયો હતો. હતભાગી યુવાન કલેકટર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતો હતો તે કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. સી.બી.જાડેજાના ભાણેજ થાય છે. અકસ્માતના આ બનાવમાં કિરણસિંહ વીસાજી ચૌહાણ અને શિવજી શંકર રાજપૂતને હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ થતાં સારવાર તળે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાપર તાલુકાના ગેડી નજીક શક્તિ નગર રોડ ઉપર માર્ગ અકસ્માતનો બનાવ ગઈ કાલે બપેરે 3.20 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી ચાલકે પોતાના કબ્જાની જી.જે.12.બીઈ.8122 નંબરની બાઈક પૂરઝડપે ચલાવતો હતો. આ દરમ્યાન વળાંકમાં બાઈક ઉપર કાબૂ  ગુમાવતાં સ્લીપ થઈ ગઈ હતી. માથા સહિતના ભાગોમાં ગંભીર પ્રકારની ઈજાઓના કારણે ચાલક યુવાનનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. પોલીસે હમીર છગન કોલીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આદિપુરમાં એસ.ટી બસ સ્ટેશન સામેના ઝૂંપડામાં અકસ્માત મોતનો બનાવ આજે સવારે 10 વાગ્યા પૂર્વે કોઈ પણ સમયે બન્યો હતો. પોતાના ઘરે નાયલોન રસી વડે ગળાફાંસો  ખાઈ ફાનિ દુનિયાને અલવિદા કહી હતી. યુવાને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે પાછળનું કારણ અકળ છે.ભચાઉમાં ભવાનીપુર ખાતેના હનુમાનજી મંદિર ખાતે અકસ્માત મોતનો બનાવ ગઈ કાલે સાંજના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન સાગર ધજા ચડાવવા શિખર ઉપર ચડયો હતો. તે અરસામાં વીજશોક લાગ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ તબીબે મૃત જાહેર કર્યો હતો. ભચાઉ તાલુકાના જંગી ગામના બનાવ અંગે મળતી વિગતો મુજબ પરિણીતા નવલબેન પોતાના ઘરે ગત તા.17ના બપોરે ચાર વાગ્યે દાઝી ગઈ હતી. તેણીને પ્રાથમિક સારવાર ભચાઉ  અપાયા બાદ તાકીદની સારવાર માટે આદિપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી પરંતુ સારવાર કારગત ન નીવડતાં ગઈકાલે સાંજે તેણીએ દમ તોડી દીધો હતો. બીજી બાજુ ભુજ તાલુકાના સામત્રા ગામમાં વૃધ્ધા મીઠીબેન ગત તા.9ના સવારના અરસામાં દાઝી ગયા હતાં. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ગત રાત્રિના 11 વાગ્યાના અરસામાં તેમણે દમ તોડી દીધો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer