ગડા પાટિયા પાસે બે પોલીસ કર્મચારીને ટક્કર મારી જીપકાર ભગાડી જવાઇ

ભુજ, તા. 19 : લોકસભાની ચૂંટણી અન્વયે સુરક્ષાના હેતુસર રાત્રિ ફરજ અને વાહનોની તપાસણીમાં રોકાયેલી મામલતદાર સાથેની એસ.એસ.ટી. ટીમના બે પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારી ઘાયલ કરીને મહિન્દ્રા બોલેરો જીપકાર ભગાડી જવાઇ હોવાનો કિસ્સો ગત રાત્રે તાલુકામાં ગડા ગામના પાટિયા પાસે બન્યો હતો. ગત રાત્રે દોઢેક વાગ્યાના સુમારે બનેલા આ કિસ્સામાં ઇજા પામનારા પોલીસ કર્મચારીઓ માનકૂવા પોલીસ મથકના  જુવાનાસિંહ નવુભા જાડેજા અને ભાવસંગજી જયંતીજી ઠાકોરને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આ બાબતે લખાવાયેલી કેફિયતને ટાંકીને પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી  અન્વયે એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ સાથેની એસ.એસ.ટી. ટીમ ગત રાત્રે ફરજમાં હતી. વાહનોની તપાસણી દરમ્યાન માધાપર ગામની પોલીસ ચોકી પાસેથી નીકળેલી જી.જે.12-બી.આર.-2421 નંબરની બોલેરો જીપકારને રોકવાનો પ્રયાસ કરાયો હતો. પણ આ જીપકાર રોકવાના બદલે ભગાડી જવાઇ હતી. આ પછી તપાસકર્તા ટુકડી દ્વારા પીછો કરીને ગડા ગામના પાટિયા પાસે બોલેરોને ઓવરટેક કરીને તેને આંતરવામાં આવી હતી. આ સમયે પોલીસ કર્મચારીઓ જુવાનાસિંહ જાડેજા અને ભાવસંગજી ઠાકોરને ટક્કર મારી ઘાયલ કરી બોલેરો ભગાડી જવાઇ હતી. ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે બનાવ બાબતે ગુનો દાખલ કરીને નંબરના આધારે બોલેરો જીપકાર અને તેમાં સવાર લોકોની શોધખોળ હાથ ધરાઈ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer