તાલીમ-નિદર્શન માટેના ઇવીએમને રિઝર્વ રાખવા પ્રક્રિયા હાથ ધરાઇ

ભુજ, તા. 19 : કચ્છમાં ચૂંટણી શાખા દ્વારા તાલીમ-નિદર્શનમાં અપાયેલા મશીનો પરત લઇ તેને રિઝર્વ ઇવીએમ બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ ઉપરાંત ગઈકાલ સુધી 4,27,550 મતદારોની સ્લિપનું વિતરણ કરાયું હતું અને બાકીની સ્લિપનું  વિતરણ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. લોકસભાની ચૂંટણીને હવે લેખેલા દિવસો બાકી છે ત્યારે બન્ને મુખ્ય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો  છે ત્યારે ચૂંટણી શાખા દ્વારા પણ વિવિધ કામગીરીનો ધમધમાટ  છે. આ અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, મતદાનના દિવસે કોઇ યાંત્રિક ખામી સર્જાય તો વધારાના ઇવીએમ કામે લાગી શકે તે માટે કચ્છમાં તાલીમ અને નિદર્શનમાં અપાયેલા 126 બેલેટ યુનિટ, 125 કન્ટ્રોલ યુનિટ અને 124 વીવીપેટ પરત લઇ તેનું એફએલસી કરાવી વિધાનસભા મુજબ ઉમેદવાર અને ઓબ્ઝર્વરની હાજરીમાં રેન્ડમાઇઝેશન કરી રિઝર્વ ઇવીએમ બનાવવા મોકલી દેવાયા હોવાનું ઉમેર્યું હતું. આ ઉપરાંત ગઈકાલ સુધી દ્વારા 4,27,550 જેટલી મતદાર સ્લિપનું વિતરણ પૂર્ણ કરાયું છે અને કામગીરી આગળ ધપી રહી છે અને બાકીનું વિતરણ પણ એકાદ બે દિવસમાં પૂર્ણ કરાશે તેવી વિગતો પ્રાપ્ત થઇ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer