ચેક પરત થવાના કેસમાં ભુજવાસીને એક વર્ષની કેદ સાથે રોકડ દંડની સજા

ભુજ, તા. 19 : એક લાખ રૂપિયાના મૂલ્યનો ચેક અપૂરતા ભંડોળના કારણે બેન્કમાંથી પરત ફરતાં નેગોશિયેબલ ધારા હેઠળ થયેલા કેસમાં અદાલતે આરોપી ભુજના સુનીલ કરસનદાસ રૂપારેલને તકસીરવાન ઠેરવીને તેને એક વર્ષની કેદ અને રૂા. પાંચ હજારના દંડની સજા ફટકારી હતી. ભુજના બાલકૃષ્ણ પરષોત્તમ પૂજારા દ્વારા આ પ્રકરણમાં સંબંધના નાતે આરોપી સુનીલ રૂપારેલને રૂા. એક લાખ ધંધાકીય હેતુસર ઊભી થયેલી જરૂરત અન્વયે આપ્યા હતા. આના બદલામાં અપાયેલો ચેક બેન્કમાંથી પરત ફરતાં આ કેસ કરાયો હતો. ભુજના ત્રીજા અધિક ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આ કેસની સુનાવણી થઇ હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો સાંભળવા સાથે જરૂરી આધાર-પુરાવા તપાસી આરોપીનો બચાવ માન્ય ન રાખતાં તેને જવાબદાર ઠેરવી એક વર્ષની કેદ અને રૂા. પાંચ હજારના દંડની સજા ફટકારી હતી. આ કેસમાં ફરિયાદી શ્રી પૂજારાના વકીલ તરીકે અત્રેના સિનિયર ધારાશાત્રી અવનિશ જે. ઠકકર સાથે સલીમ એસ. ચાકી રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer