મુંબઇ ઇન્ડિયન્સની દિલધડક જીત

મુંબઇ ઇન્ડિયન્સની દિલધડક જીત
મુંબઇ, તા. 15 : મુંબઇ ઇન્ડિયન્સના હાર્દિક પંડયાએ ટીમને જીત માટે જોતા 12 દડામાં 22ના પડકારને એક જ ઓવરમાં સાકાર કરી બતાવતાં ટીમ દિલધડક રીતે બેંગ્લોર સામેનો મુકાબલો પાંચ વિકેટે જીત્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ડિવિલિયર્સ (75) અને મોઇન અલી (50)ની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા બાદ મુંબઇ?ઇન્ડિયન્સે 19મી ઓવરમાં જ પાંચ વિકેટે 172 રન બનાવી સ્પર્ધાની પાંચમી જીત હાંસલ કરી હતી. 172ના લક્ષ્ય સામે મુંબઇની શરૂઆત મજબૂત રહી હતી. ઓપનર ડી'કોક (40) અને રોહિત શર્મા (28)એ દાવને 70 પર પહોંચાડયો ત્યાં જ રોહિત મોઇન અલીના દડે બોલ્ડ થયો હતો. એક રનના ઉમેરા બાદ ડી કો'ક પણ પેવેલિયન ચાલ્યો ગયો હતો. તે પછી યાદવ?(29), કિશન?(9 દડામાં 21) અને કૃણાલ પંડયા (11)એ ટીમને વિજયની નજીક લાવી હતી. હાર્દિકે 18મી ઓવરમાં 22 રન કરીને દર્શકોને ખુશખુશાલ કર્યા હતા. તેણે 16 દડામાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 37 રન બનાવ્યા હતા. બેંગ્લોર વતી મોઇન અલી અને ચહલે બે-બે જ્યારે સિરાજે એક વિકેટ ખેરવી હતી. આ અગાઉ મુંબઈએ ટોસ જીતી બેંગ્લોરને દાવ આપ્યો હતો. કોહલી ફરી એક વખત જામ્યા પહેલાં જ અંગત 8 રને પહેલી વિકેટના સ્વરૂપમાં પેવેલિયન ગયો હતો. પાર્થિવ પટેલ (28) પણ ખાસ જામ્યો ન હતો, તે પછી ડિ'વિલિયર્સ અને મોઈન અલીએ દાવને સ્થિરતા આપી ઝડપથી સ્કોરબોર્ડ ફેરવ્યું હતું. ત્રીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી બાદ 144ના કુલ જુમલે આ જોડી મોઈનઅલીની વિકેટ સાથે તૂટી હતી. મોઈને 32 દડામાં 1 ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 50 રન બનાવ્યા હતા. ડિ'વિલિયર્સે 51 દડામાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 75 રન બનાવ્યા હતા. આ સિવાયના બેટધરો ખાસ કમાલ ન દર્શાવી શક્તાં ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 171 રન બનાવી શકી હતી. મુંબઈ વતી મલિંગાએ 31 રનમાં 4 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. આ સિવાય બેહરેન્ડ્રોફ અને હાર્દિક પંડયાને 1-1 વિકેટ મળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer