જખૌ નજીક બાર્જ ડૂબતાં 1 ખલાસી લાપતા : અન્ય 14ને બચાવી લેવાયા

જખૌ નજીક બાર્જ ડૂબતાં 1 ખલાસી   લાપતા : અન્ય 14ને બચાવી લેવાયા
નલિયા, તા. 15 : ભારે પવનમાં જખૌના દરિયામાં સપડાયેલા બે બાર્જના 14 ખલાસીઓને જખૌ કોસ્ટગાર્ડે બચાવી લીધા હતા. એક ખલાસી લાપતા બન્યો છે જ્યારે બે પૈકી એક બાર્જે જળસમાધિ લીધી હતી. ગુમ થયેલા ખલાસીને શોધવા પ્રયાસો શરૂ કરાયા છે. જરૂર પડે એરિયલ શોધખોળ આરંભાશે. આજે સવારે 5.45 વાગ્યે જખૌના દરિયામાં ભારે તોફાની પવન ફૂંકાયો હતો. આ તબક્કે એક બાર્જના ખલાસીએ કોસ્ટગાર્ડને સંદેશો મોકલ્યો હતો કે ખલાસીઓ મુશ્કેલીમાં છે અને તોફાનમાં સપડાયા છે. આ તબક્કે કોસ્ટગાર્ડે પોતાની પેટ્રોલિંગમાં ગયેલી બોટોને બાર્જ પાસે બોલાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. એક બાર્જમાં 8 ખલાસીઓ હતા તે પૈકી 7ને બચાવી લેવાયા હતા. આ વચ્ચે એક બાર્જે જળસમાધિ લીધી હતી. અન્ય એક બાર્જમાં રહેલા 7 ખલાસી પણ તોફાનમાં સપડાયા હતા. જેના તમામ ખલાસીઓને બાર્જ નીચે ઉતારી કોસ્ટગાર્ડ દ્વારા જખૌ કાંઠે લાવવામાં આવ્યા હતા. જખૌ કાંઠે એકંદર 14 ખલાસીઓ લઈ આવી તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જખૌના દરિયામાં મીઠા પોર્ટ નજીક બનેલી આ ઘટનામાં બચી ગયેલા ખલાસીઓ સહીસલામત છે. ગુમ થયેલ એક ખલાસીની આજ સાંજ સુધી કોઈ ભાળ મળી નથી. આ અંગે જખૌ કોસ્ટગાર્ડનો સંપર્ક સાધતાં તેમણે એક બાર્જ ડૂબી ગયું હોવાનું અને 14 ખલાસીઓને રેસ્ક્યુ ઓપરેશનથી બચાવી લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer