રજાવરણમાં રજોટાયું કચ્છ; માવઠાંનો વર્તારો

રજાવરણમાં રજોટાયું કચ્છ; માવઠાંનો વર્તારો
ભુજ, તા. 15 : અચાનક જ સક્રિય બનેલા પશ્ચિમી વિક્ષોભની અસર તળે રાજ્યભરની સાથોસાથ કચ્છના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ધૂળની ડમરી ઉડાવતા પવન સાથે વાદળછાયા માહોલ વચ્ચે ઉષ્ણતામાપક પારો સરકીને 35-36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પહોંચી જતાં કચ્છે દાહક તાપની તીવ્રતામાં આંશિક રાહત અનુભવી હતી. દરમ્યાન, રાજ્યના હવામાન તંત્ર તરફથી આગામી બે દિવસ દરમ્યાન માવઠાંનો વર્તારો અપાયો છે. ગુજરાત રાજ્ય મોસમ વિજ્ઞાન વિભાગની વેબસાઇટ તરફથી `વેધર વોર્નિંગ' એટલે કે `હવામાનની ચેતવણી' તળે સોમવારે કચ્છ, સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, તાપી, નવસારી સહિત રાજ્યના વિવિધ?ભાગોમાં ઝડપી પવન સાથે કમોસમી વરસાદ આગામી બે દિવસ દરમ્યાન થવાની આગાહી કરાઇ હતી. રાજ્યના હવામાન વિભાગના નાયબ નિયામક મનોરમા મહંતીએ જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં ઉદ્ભવેલી પશ્ચિમી વિક્ષોભની સ્થિતિની અસર તળે આવનારા બે દિવસ દરમ્યાન રાજ્યના વિવિધ?ભાગોમાં વરસાદી ઝરમર સાથે ચોમાસુ માહોલ સર્જાયેલો રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અપાઇ?છે. તોફાન સાથે વરસાદ થવાના સમયગાળા દરમ્યાન ચારથી પાંચ મિનિટ અને કેટલાક ભાગોમાં તેથી વધુ ગાળા સુધી કલાકના 30થી 32 કિલોમીટરની ગતિ સાથે પવન ફુંકાઇ?શકે છે તેવું તેમણે ઉમેર્યું હતું. હવામાનમાં અચાનક આશ્ચર્યજનક પલટાનાં પગલે કમોસમી વરસાદની તીવ્રતા વધુ રહેતાં કેરી જેવા મોસમી પાકને નુકસાનની ભીતિ સાથે ખેડૂતોમાં ચિંતા સાથે ઉચાટ ફેલાયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા, ક્યાંક માવઠું, ક્યાંક ધૂળની આંધી ઊઠતાં લોકો પણ વિસ્મયમાં મુકાયા હતા. કમોસમી વરસાદનાં પરિણામે ખેડૂતોના માથે મુસીબત આવી પડી હતી. ખાસ કરીને કેરીના પાકને નુકસાન થઇ શકે છે. બીજી તરફ છુટાછવાયા છાંટા પડવાનાં કારણે ગરમીમાંથી લોકોને સામાન્ય રાહત મળી હતી. હવામાન ખાતાની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી ત્રણ દિવસ માવઠાંની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં આવેલા પલટાને જોતાં અનાજ અને મસાલા વેચાણકારો તથા ખરીદ કરનારાઓમાં ચિંતા પ્રસરી હતી. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતાં આકાશમાં છવાયેલા વાદળોનાં કારણે ઠંડક પ્રસરી હતી. દરમિયાન સમગ્ર દક્ષિણ દરિયામાં અપર એર સર્ક્યુલેશન સર્જાવાને કારણે દરિયામાં આશરે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવા માટે જિલ્લા તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે દ્વારકા સમુદ્રમાં કરન્ટ જોવા મળ્યો હોવાના અહેવાલ છે. તોફાની બનેલા સમુદ્રના મોજા 5 ફૂટ જેટલા ઊંચા ઊછળ્યા હતા, જેથી કાંઠે ઊભેલા લોકો પણ ગભરાઇ ગયા હતા. તોફાની બનેલા સમુદ્રમાં રૂપેણ બંદરની 2 નાની હોડીઓએ જળસમાધિ લીધી હોવાના અહેવાલ છે. આ હોડીના 3 ખલાસીઓને અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા હોવાનું કહે છે. આ બોટમાં અન્ય કોઇ ખલાસીઓ હતા કે નહીં, અન્ય બીજી કોઇ બોટ હતી કે કેમ, તેની શોધખોળ ફિશરીઝ અને મરીન પોલીસ દ્વારા ચાલુ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer