બ્રેઈલ મેપ કારરેલીમાં 45 સ્પર્ધક જોડાયા

બ્રેઈલ મેપ કારરેલીમાં 45 સ્પર્ધક જોડાયા
ભુજ, તા. 15 : લાયન્સ કલબ ઓફ ભુજ કચ્છ સાઈટ ફર્સ્ટ અને લાયન્સ કલબ ઓફ ભુજના સંયુક્ત ઉપક્રમે કચ્છમિત્ર મીડિયા પાર્ટનર દ્વારા કચ્છમાં સતત ત્રીજા વર્ષે બ્રેઈલ મેપ કારરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી કારરેલીનો મુખ્ય હેતુ એ હતો કે ભેગા થયેલા ફંડનો ઉપયોગ માનસિક લકવાવાળા બાળકોના સેન્ટર માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ માનસિક લકવાના બાળકોનું સેન્ટર લાયન્સ કલબ ઓફ?કચ્છ સાઈટ ફર્સ્ટ દ્વારા બેન્કર્સ કોલોનીમાં ચલાવવામાં આવે છે. આમ એક નેત્રહીન દિવ્યાંગોની કલબ દ્વારા માનસિક લકવાગ્રસ્ત બાળકોની સેવા ખૂબ જ પ્રશંસનીય છે અને તેને લાયન્સ કલબ ઓફ ભુજ અને કચ્છની જનતા આ સ્પર્ધામાં ભાગ લઈને મદદ કરે છે. આ બ્રેઈલ મેપ કારરેલીમાં 45 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને તેમાં નેવીગેટર તરીકે 45 નેત્રહીન દિવ્યાંગો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ રેલી માટે કચ્છમિત્ર દૈનિકના તંત્રી દીપકભાઈ માંકડ, સેકન્ડ વી.ડી.જી. લાયન ધીરેન મહેતા, ખાસ અમરેલીથી પધારેલા થર્ડ વી.ડી.જી. લાયન વસંતભાઈ મોવલીયા, પી.ડી.જી. લાયન ભરત મહેતા, પી.ડી.જી. લાયન મીના મહેતા, લાયન ડો. અભિનવ કોટક, લાયન રેખાબેન વોરા, લાયન્સ કલબ ઓફ ભુજ સાઈટ ફર્સ્ટના પ્રમુખ લાયન મુકેશભાઈ ગોહિલ, લાયન્સ કલબ ઓફ ભુજના સેક્રેટરી જીજ્ઞેશ શાહ, લાયન સકીરા સમા, લાયન વ્યોમા મહેતા, લીયો પ્રેસિડેન્ટ બીજલ ઠક્કર તથા લાયન્સ કલબ ઓફ ભુજના સક્રિય સભ્યોએ આ કાર રેલીને સ્ટાર્ટ આપ્યો હતો. આ અનોખી કારરેલીમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ દિનેશભાઈ ગુપ્તા, દીપક ચાના લાયન ફોરમ શાહ, કતિરા ગ્રુપના હરીશભાઈ કતિરા, કાર્ગો મોટર્સ પ્રા. લી.ના વિમલભાઈ ગુજરાલ, શર્મા રિસોર્ટના અનુપભાઈ શર્માએ સહયોગ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કારરેલીમાં એમ.એમ.એફ. લાયન ધર્મેન્દ્રસિંહ જાડેજા, અભય શાહ, બળદેવભાઈ પરમારે પ્રોજેકટ ચેરમેન તરીકે સેવા આપી હતી તથા લાયન રમીલાબા જાડેજા, લાયન જીતેન ઠક્કર વગેરેએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. રેલીમાં માર્શલ તરીકે લાયન આશિષ ક્ષત્રિય, લાયન નરેશ રાઠી, લાયન સંજય ઠક્કર, લાયન અરુણ જૈન, લાયન ભૂપેન્દ્ર પટેલ તથા તેમની ટીમે જહેમત ઊઠાવી હતી. લા. કૈલાસ મહેતા તથા નેવીગેટર તરીકે ઘનશ્યાભાઇ પરમાર પ્રથમ વિજેતા જાહેર થયા હતાં. દ્વિતીય વિજેતા તરીકે સપન મહેતા તથા નેવીગેટર ઇરશાદભાઇ અને તૃતીય નંબરે લાયન સંજય દેસાઇ તથા નેવીગેટર કીપલભાઇ દોશી રહ્યા હતા. આ કારરેલીમાં 10 મહિલાઓએ સેલ્ફ કાર ડ્રાઇવ કરી હતી. આયોજકોએ મહિલાઓને ઉત્સાહ વધારવા તેમાંથી બીજલ ઠક્કર તથા તેમના નેવીગેટર વૈશાલી પટેલને સ્પેશિયલ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત 70 વર્ષની ઉંમરે સેલ્ફ ડ્રાઇવ કરનાર લાયોનેશ નૂતનબેન મહેતાને પણ સૌએ તાળીઓથી વધાવ્યા હતાં. ભાગ લેનાર સૌને સવારે નાસ્તો તથા બપોરનું ભોજન પણ આપ્યું હતું. આ ઉપરાંત કાર ડ્રાઇવ સમયે રસ્તામાં નાસ્તો અને પાણી, કોલ્ડ્રીંકસની પણ વ્યવસ્થા કરી હતી. આ કારરેલીનો રૂટ ભુજ ટાઉન હોલ, સ્વામિનારાયણ મંદિર, હમીરસર તળાવ, છઠ્ઠીબારી રીંગ રોડ, અનમ રીંગ રોડ, લાલ ટેકરી, હોસ્પિટલ રોડ, ડો. રાજારામ ગ્રાઉન્ડ પાસેથી, જનરલ હોસ્પિટલ, જ્યુબિલી સર્કલ, મિરજાપર હાઇવે, એરપોર્ટ રોડ કોડકી ગામ, માનકૂવા ગામ, ભારાસર ગામ, ખત્રી તળાવ, નારાણપર ગામ, બળદિયા ગામ, ભારાપર ભુજ એમ કુલ્લ 60 કિ.મી.નો આ રુટમાં 6 માર્સલ પોઇન્ટ સામેલ હતા. ભાગ લેનાર સૌએ આ કાર રેલી માટે પોતાના સુખદ મંતવ્યો જણાવ્યા હતા અને કહ્યું હતું કે, ભવિષ્યમાં હજુ પણ મોટી સંખ્યામાં કારચાલકો જોડાય, આ કારરેલીનો આનંદ લે અને દિવ્યાંગો માટે કામ કરતા આ દિવ્યાંગોના ઉત્સાહને પ્રોત્સાહિત કરે. ઇનામ વિતરણ કાર્યક્રમનું સમગ્ર સંચાલન લાયન આશિષ ક્ષત્રિય તથા લાલન નરેશ રાઠીએ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer