દેશભક્તિ-ગૌસેવા માટે કથાનો વિચાર એ જ ક્રાંતિ

દેશભક્તિ-ગૌસેવા માટે કથાનો વિચાર એ જ ક્રાંતિ
રાપર, તા. 15 : હેપ્પી બબલ્સ ગ્રુપ-મુંબઈ આયોજિત સંત ત્રિકાલદાસજી મહારાજના વ્યાસાસને શહીદોના મોક્ષાર્થે રાપરમાં ચાલતી શ્રીમદ્ ભાગવત કથાની પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે યોજાયેલી સંતવાણીમાં 8થી 9 લાખની ઘોર તેમજ પ્રસંગ અંતર્ગત 18 લાખ રૂા. એકત્ર થયા હતા. જેમાંથી સાત લાખ કિલો લીલો ચારો ચાર પાંજરાપોળને અપાશે. આ પ્રસંગે ત્રિકાલદાસજી મહારાજે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત કે કચ્છમાં જ નહીં પરંતુ ભારત વર્ષમાં પ્રથમવાર શહીદોના મોક્ષાર્થે આ ભાગવત કથાનું આયોજન હેપ્પી બબલ્સ ગ્રુપ દ્વારા કરાયું હતું. સાત દિવસના આ ભાગવત યજ્ઞમાં શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી તેમના પરિવારો પર ગર્વ અનુભવાયો હતો. દેશભક્તિના અને ગૌસેવા માટેની કથાનો વિચાર આવવો એ જ એક ક્રાંતિ છે. ગ્રુપના ચેરમેન નેહલબેન પટેલ તથા તેમની ટીમ દ્વારા વાવેલા આ કથાબીજને આજ મૂર્તિમંત થતાં અનેરો આનંદ વ્યક્ત કરી લોકોને દેશસેવાના થાય એટલા કામો કરવાની શીખ આપી હતી. પ્રસંગ અંતર્ગત ગૌસેવાના લાભાર્થે યોજાયેલા ડાયરામાં માનવમેદની ઊમટી પડી હતી. ખ્યાતનામ કલાકારો રાજભા ગઢવી, ઉર્વશી રાદડિયા અને સુમન પટેલે સંતવાણી રજૂ કરી હતી. કથા દરમ્યાન સંતો-મહંતો, રાજકીય અને સામાજિક અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો હતો. સાતે દિવસનું જીવંત પ્રસારણ કરાયું હતું. યુ ટયૂબ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાયું હતું. પૂર્ણાહુતિ પ્રસંગે હંસાબેન ગોસ્વામીએ ગ્રુપની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો. આરોગ્ય, શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓને વરેલા આ ગ્રુપના આ નવતર આયોજનમાં સાથ સહકાર આપવા બદલ સર્વેનો આભાર માન્યો હતો. હેપ્પી બબલ્સ તરફથી કથાકાર સંત ત્રિકાલદાસજી બાપુ તથા ગાંધર્વવૃંદ તથા મહેમાનોના સન્માન કરાયા હતા. સમગ્ર કથાના આયોજનમાં હેપ્પી બબલ્સના ચેરમેન નેહલબેન, પ્રવીણભાઈ ઠક્કર, પ્રણવભાઈ ઠક્કર, પાર્થ ઠક્કર, હંસાબેન ગોસ્વામી, મંજુનાથ નાયક, પૂજા પટેલ, હીરલ ગોસ્વામી, અર્જુન બારોટ, હસમુખભાઈ ઠક્કર, આદિત્ય શર્મા, નીલેશભાઈ માલી વિ.એ જહેમત ઉઠાવી હતી. કથા દરમ્યાન હરદ્વાર પાસે દેવબંધ ગંગા કિનારે આશ્રમ ધરાવતા કથાકાર ત્રિકાલદાસજી બાપુના ગુરુજી પધારતાં સમગ્ર રાપરવાસીઓએ હેપ્પી બબલ્સ ગ્રુપ તથા દરિયાસ્થાન ટ્રસ્ટ તરફથી વિશિષ્ટ સન્માન કર્યું હતું. લોહાણા મહિલા મંડળ તથા દરિયાસ્થાન સત્સંગી મહિલા મંડળે ઉત્સવ દરમ્યાન સહયોગ આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer