સમૂહ શાત્રનું વાંચન ચેતનાઓને કેન્દ્રિત કરે છે

સમૂહ શાત્રનું વાંચન ચેતનાઓને કેન્દ્રિત કરે છે
કેરા, (તા.ભુજ), તા. 15 : સમૂહમાં શાત્ર વાંચન કરવાથી ચેતનાઓ કેન્દ્રિત બને છે. સમય, શક્તિ તો બચે જ છે પણ ગરીબ-તવંગર એક પંડાલમાં પિતૃ પૂજન કરે છે જે હિન્દુ સનાતન પરંપરામાં એકતાને બળ આપે છે, આવા વિચારો રજૂ થવા સાથે ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સમૂહ ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવ યોજાયો હતો. 481 પોથી સાથે યોજાઇ રહેલ સર્વપ્રિયજન મોક્ષાર્થે કથામાં સોમવારે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધાર્મિક હર્ષોલ્લાસભેર થઇ હતી. ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ સંતોની પ્રેરણાથી થયેલા આયોજનમાં 481 પરિવારો એક છત્રે કથા શ્રવણ કરી રહ્યા છે. સમગ્ર મંદિર પરિસરમાં બ્રાહ્મણો પોથી વાંચન કરી રહ્યા છે. કુલ 3671 પિતૃઓની છબીઓ મુકાઇ છે. મંદિરના કોઠારી નારાયણ મુનિદાસજી સ્વામીના નેજા હેઠળ ટ્રસ્ટી મંડળ આયોજન, વ્યવસ્થા સંભાળી રહ્યું છે. પ્રસાદી મંદિરથી કથા મંડપ સુધી પોથી યાત્રા યોજાઇ હતી. વહીવટી કોઠારી રામજી દેવજી વેકરિયા, ઉપકોઠારી મુરજી કરશન શિયાણી, ટ્રસ્ટી શશીકાંત ઠક્કર સહિતના સર્વે કારોબારી સભ્યો સંકલન કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer