વનતંત્રના મહિલા ગાર્ડે વાંદરાને કેળા ખવડાવી વિશ્વાસ જીતી પાંજરે પૂર્યો

વનતંત્રના મહિલા ગાર્ડે વાંદરાને કેળા   ખવડાવી વિશ્વાસ જીતી પાંજરે પૂર્યો
માતાના મઢ (તા. લખપત), તા. 15 : અહીંની વનતંત્રની ગુગરિયાણી રખાલમાં ચડી આવેલા વાંદરાનો વિશ્વાસ જીતી ગાર્ડ હર્ષાબેન દેરવડિયાએ પાંજરામાં પૂરતાં તેમની કામગીરીને બિરદાવાઈ હતી. કચ્છમાં વાંદરાની પ્રજાતિનો કાયમી વસવાટ નથી. આ વાંદરો કચ્છ બહારથી ટ્રકમાં બેસી મા. મઢના વિસ્તારમાં આવ્યાનું માનવામાં આવી રહ્યું છે. ગીરના જંગલોમાં આ વાંદરાની પ્રજાતિ જોવા મળે છે તેવું જાણકારોનું માનવું છે. વન ખાતામાં ફરજ બજાવતા હર્ષાબેનની નજરે આ વાંદરો ચડયો હતો. તેને પકડવા પહેલાં તેમણે વિશ્વાસ જીત્યો હતો. કેળા ઈત્યાદિ ફળો આપવામાં આવ્યા હતા. ભૂખ્યા તરસ્યા વાંદરાએ પોતાનું મનગમતું ભોજન જોઈ તે ગાર્ડની નજીક આવ્યો હતો અને ભોજન ગ્રહણ કર્યું હતું. ત્યારબાદ પિંજરામાં ફળો તેમજ પાણી રાખવામાં આવ્યા હતા. પિંજરામાં ભોજન જોઈ પ્રવેશી પાંજરે પૂરાયો હતો. આ વાંદરાને મા.મઢની ફોરેસ્ટ કોલોનીમાં રાખવામાં આવ્યો છે. હર્ષાબેન તરફથી વાંદરાની સારસંભાળ રખાઈ રહી છે. ગમતા ફળો અપાય છે અને ગરમી ન લાગે તે માટે પાંજરાની બાજુમાં ટેબલ ફેન રાખવામાં આવ્યો છે. આ ઉત્તમ કામગીરી બદલ મઢના લોકોએ અભિનંદન આપ્યા હતા અને વનતંત્રના અધિકારીઓએ તેમની કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ દુષ્કાળની પરિસ્થિતિમાં ગુગરિયાણી રખાલમાં વન્યપ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાતાં રોઝ, સસલા, શિયાળનો પણ આ મહિલા ગાર્ડ સાથે ભાવનાબેને વિશ્વાસ જીતતાં આ પ્રાણીઓ એમની પાસે આવી જાય છે તેવું ફોરેસ્ટર સફીભાઈ ગોરીએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer