માંડવીમાં બજરંગ દળ દ્વારા ત્રિશૂલ દીક્ષા મહોત્સવ યોજાયો

માંડવીમાં બજરંગ દળ દ્વારા  ત્રિશૂલ દીક્ષા મહોત્સવ યોજાયો
માંડવી, તા. 15 : વિ.હિ.પ. માંડવી આયોજિત તથા અહીંના સ્વામિનારાયણ મંદિર પ્રેરિત રામનવમી મહાપર્વે નગર શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. બજરંગ દળ ત્રિશૂલ દીક્ષા મહોત્સવમાં 600 યુવાનોએ દીક્ષા અંગીકાર કરી હતી. રામનવમી મહોત્સવ અને ભગવાન સ્વામિનારાયણ પ્રાગટયોત્સવ અવસરે સંતવર્યોની નિશ્રા અને આશિર્વાદ સાથે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. રામ-ઘનશ્યામ શોભાયાત્રા (રેલી) શહેરના માર્ગો પરથી પસાર થઇ હતી. કચ્છ વિશ્વ હિન્દુ પરિષદની દોરવણી હેઠળ અપૂર્વ અને સફળ આયોજનનો દાવો કરાયો હતો. શાત્રી સ્વામી અક્ષરપ્રકાશદાસજીએ રાષ્ટ્ર અને ધર્મરક્ષાનું સાંસ્કૃતિક મહત્ત્વ સમજાવી યોગદાન આપવા શીખ આપી હતી. મથલથી આવેલા બ્રહ્મચારી અજિતેન્દ્રજીએ ત્રિશૂલ દીક્ષાનું મહત્ત્વ સમજાવ્યું હતું. કચ્છ વિભાગના વિ.હિ.પ. અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. સ્વામિનારાયણ મંદિરના સંતોની નિશ્રામાં યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા કચ્છ વિ.હિ.પ.ના મંત્રી કૃષ્ણકાંત પંડયા, પશ્ચિમ કચ્છ બજરંગ દળના સંયોજક મયંક ગોર સાથે રાજાભાઇ પરમાર, રણજિતદાન ગઢવી, અનિલ માલી, ઉમંગ જોશી, દિલાવરસિંહ પઢિયાર, વિનોદ માકાણી વગેરેએ યોગદાન આપ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer