માંડવીનો `કેસરિયો'' ગઢ જીતવા ભાજપ-કોંગીની કવાયત

માંડવીનો `કેસરિયો'' ગઢ જીતવા ભાજપ-કોંગીની કવાયત
મેરામણના મલક અને કંઠ્ઠીપટ્ટને સમાવી લેતા માંડવી- મુંદરાને જોડતા લાંબા-પહોળા વિસ્તારવાળી માંડવી-મુંદરા બેઠક હેઠળ આવતા શહેરો અને ગામોમાં લોકસભાની ચૂંટણી માટેનું અત્યાર સુધી સુષ્ક રહેલું વાતાવરણ હવે જાણે ધીરેધીરે ગતિ પકડવા લાગ્યું છે. બંદરીય વિકાસની પ્રક્રિયાના કારણે વિકસેલા અને હજુયે વધુનેવધુ વિકસી રહેલો આ વિસ્તાર આમતો છેલ્લા લાંબા સમયથી કેસરિયો ગઢ બની રહ્યો છે. રાહુલ કે રાફેલની ઇફેક્ટ વગરના અને મુખ્યત્વે મોદી ફેક્ટર અને સ્થાનિક પ્રશ્નો આધારિત માહોલમાં ભાજપના આ ગઢમાં હરીફ પક્ષ કોંગ્રેસ દ્વારા કાંગરા ખેરવવા માટેની કવાયત પૂરજોશમાં ચાલી રહી છે. તો ભારતીય જનતા પાર્ટી તેનો આ ગઢ અજય અને અણનમ રાખવાના પ્રયત્નોમાં પ્રવૃત જોવા મળે છે.ગ્રામપંચાયતથી વિધાનસભા અને સંસદ સુધીના ચોમેર ભાજપના કેસરિયા શાશન વચ્ચે આ બેઠક ઉપર લઘુમતી, દલિત, ક્ષત્રિય, પાટીદાર અને ગઢવી જ્ઞાતિના મતદારો મહત્તમ સંખ્યામાં અને ચાવીરૂપ ભૂમિકામાં છે. રામપર વેકરાથી કોટડી મહાદેવપુરી તથા ભાડઇથી મંગવાણા સુધી ચાળીસેક ગામના પોકેટવાળા ગઢશીશા પાંચાળા ઉપરાંત માંડવી અને મુંદરા નગર અને આ બન્ને તાલુકાના નાનામોટા અનેક ગામોમાં ભલે હજુ સુધી જોઇએ તેટલા ચૂંટણી કાર્યાલયો ખૂલ્યા નથી કે લાઉડ સ્પીકર સાથે દોડાદોડી કરતા વાહનો પણ જોવા મળતા નથી પણ મતદાનનો 23મી એપ્રિલવાળો દિવસ જેમજેમ નજીક આવી રહ્યો છે તેમતેમ માહોલ કરવટ બદલીને જાણે રાજકીય અને ચૂંટણીના રંગે રંગાતો જોવા મળી રહ્યો છે. બેઠકની રાજકીય તાસીર ઉપર નજર કરતા જણાય છે કે ગઢશીશા પાંચાડો છેલ્લા લાંબા સમયથી પરંપરાગત રીતે ભાજપ તરફી રહેતો આવ્યો છે. તો મુંદરા નગર અને મુંદરા તાલુકામાં લાંબો સમય પોતાનો હાથ ઉપર રાખનાર કોંગ્રેસ પક્ષ હજુ ગત લોકસભા અને વિધાનસભા સુધી કેસરિયા પક્ષને બરાબરીની ટકકર આપતો આવ્યો છે. બીજીબાજુ કચ્છના રાજકારણ માટે એક જમાનાના `એપી સેન્ટર' એવા માંડવી શહેરમાં પણ ગત લોકસભા અને વિધાનસભા સમયે પહેલીવાર કેસરિયા પક્ષને સરસાઇ મળી હતી. અલબત્ત માંડવી અને મુંદરા તાલુકાના ગામો ઉપરાંત ગઢશીશા પંથકના ગામોના મતદારો થકી છેક સુરેશભાઇ મહેતા અને અનંતભાઇ દવેના કાર્યકાળથી આ વિસ્તાર કેસરિયા રંગે રંગાયેલો છે. વચ્ચે એકાદ વખત `કમળ'ને `પંજા'એ મ્હાત કર્યા. સરવાળે છેલ્લા એક દાયકાથી કેસરિયા બ્રિગેડની `આણ' કાયમ રહેતી આવી છે. જે આ વખતે પણ કાયમ રહેશે તેવું ભગવો પક્ષ અને તેના આગેવાનો કાર્યકરો કહી રહ્યા છે. ચોમેર કેસરિયું શાસન વિધાનસભા ઉપરાંત જિલ્લા પંચાયતની આઠ બેઠક તથા બે તાલુકા પંચાયત અને એક નગરપાલિકા સહિતના રાજકીય સિનારિયાવાળા આ વિસ્તારમાં ચોમેર અત્યારે કેસરિયા ભાજપ પક્ષનો માહોલ અને આણ બરકરાર છે. વિસ્તારના ભાજપના ધારાસભ્ય તરીકે કચ્છ રાજપૂત (ક્ષત્રિય) સમાજના અઘ્યક્ષ વીરેન્દ્રાસિંહ બહાદુરાસિંહ જાડેજા છે. તો માંડવી વિસ્તારની જિલ્લા પંચાયતની ચાર પૈકીની ગઢશીશા, કોડાય અને બિદડા બેઠક ઉપર ભગવો લહેરાઇ રહ્યો છે અને એકમાત્ર તલવાણા બેઠક કોંગ્રેસ પાસે છે. તો મુંદરા પંથકમાં પણ જિલ્લા પંચાયતની ચાર બેઠક પૈકી એકમાત્ર મુંદરા બેઠક કોંગ્રેસ પાસે છે. અન્ય ત્રણ બેઠક ભદ્રેશ્વર, ભુજપુર અને નાના કપાયા ભાજપ પાસે છે. મુંદરા તાલુકા પંચાયત પણ બહુમતી બેઠક સાથે ભાજપ હસ્તક છે. વિસ્તારની એકમાત્ર નગરપાલિકા માંડવી સુધરાઇ ઉપર પણ 23-13ની બહુમતી સાથે ભાજપનો દબદબો છે. જ્યારે માંડવી અને મુંદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની શાસનધુરા પણ ભગવા બ્રિગેડ હસ્તક જ છે. માંડવી તાલુકા પંચાયતની ગત ચૂંટણી સમયે 11 બેઠક સાથે કોંગ્રેસે પોતાનો હાથ ઉપર રાખ્યો હતો પણ રાજકીય કાવાદાવા વચ્ચે ચાર કોંગ્રેસી સભ્યએ બળવો કર્યા બાદ હાલે ભાજપ પાસે 13 અને કોંગ્રેસ પાસે સાત સભ્ય હોવા વચ્ચે આ પંચાયત પણ ભાજપ હસ્તક છે. માંડવી અને મુંદરા બન્ને તાલુકાની ગ્રામ પંચાયતો પૈકી બહુમતી ગામોમાં ભાજપ પ્રેરિત સરપંચો અને બોડી કાર્યરત હોવાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જ્ઞાતિવાર મતદારોના આંકડા નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજવાની વાતો અને વ્યવસ્થાના માહોલ વચ્ચે સરવાળે દરેક ચૂંટણીમાં જ્ઞાતિગત સમિકરણો મહત્વના જ સાબિત થતા આવતા હોય છે અને એટલે જ આ બાબતને કોઇ રાજકીય પક્ષ કે આગેવાન અવગણી શકે તેમ નથી. માંડવી અને મુંદરા બેઠકને સંલગ્ન જ્ઞાતિવાર આંકડા ઉપર દ્રષ્ટિપાત કરતા કુલ મતદારો 2,44,346 છે જેમાં સૌથી વધુ 50462 મતદાર લઘુમતી સમાજના છે. તો 31233 મતદાર દલિત સમાજના અને 21900 ક્ષત્રિય તથા 16755 કડવા પાટિદાર અને ગઢવી જ્ઞાતિના 16752 મતદાર છે. જ્યારે ઇતર જ્ઞાતિમાં બ્રાહ્મણ 13719, લેવા પટેલ 8114 તથા અન્ય જ્ઞાતિના 15880 મતદારો છે. માહોલ હવે રંગ પકડશે ભારતીય ચૂંટણીપંચની કડક આચારસંહિતા અને ખર્ચની મર્યાદાઓ વચ્ચે શુક્રવારે કચ્છમિત્રની ટીમ દ્વારા ચકરાવા હેઠળ સમગ્ર વિધાનસભા બેઠકના કરાયેલા પ્રવાસમાં સરવાળે માહોલ સુષ્ક જોવા મળ્યું હતું. માંડવી અને મુંદરા સિવાય કયાંય પ્રચાર કાર્યાલયો ખૂલ્યા ન હતા. તો ધજા-પતાકા અને બેનરવાળો માહોલ તો જાણે ભૂતકાળ ભાસી રહ્યો હતો. લાઉડ સ્પીકર સાથે પ્રચાર માટે દોડતી ગાડીઓ પણ મિ.ઇન્ડિયા જેમ અદૃશ્ય દેખાઇ હતી. સામાન્ય રીતે ગામના ચોરે કે વડના ઝાડ નીચે કુંડાળું કરીને રાજકીય વિશ્લેષણ અને ચર્ચાઓમાં પ્રવૃત રહેનારા ગ્રામ્ય લોકોના માહોલ ઉપર પણ અછતના કપરા કાળની સ્પષ્ટ અસર દેખાઇ હતી. અલબત્ત ભુજપુર ખાતે ઠાકર મંદિર ચોકમાં શુક્રવારે સાંજે ભાજપની જાહેરસભા અને મુંદરા ખાતે સાંજે નદીવાળા નાકાથી કેસરિયા ઉમેદવાર વિનોદભાઇ ચાવડાનો રોડ-શો અને એ પછી બારોઇ રોડ ખાતે જાહેરસભાના માહોલે ચૂંટણી હોવાનો થોડો અહેસાસ કરાવ્યો હતો. અલબત્ત મતદાન દિવસ જેમજેમ નજીક આવતો જશે તેમતેમ માહોલ જામવાનો નિર્દેશ બન્ને પક્ષ દ્વારા અપાયો હતો. મોદી ફેકટર-સ્થાનિક પ્રશ્નો મોદી અને રાહુલ ફેકટર અને રાફેલ મુદ્દા આધારિત મુખ્યત્વે દેશમાં લડાઇ રહેલી લોકસભાની ચૂંટણીમાં પ્રવાસ દરમ્યાન કયાંય રાહુલ ગાંધીવાળી ઇફેક્ટ કે રાફેલ વિશે ભાગ્યે જ કોઇ બોલ્યું હશે. અલબત્ત સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઇક અને આંતકવાદ સામેની કાર્યવાહીને કેન્દ્રમાં રાખીને મોદી ફેકટરવાળો મુદ્દો અનેક જણ પાસેથી સાંભળવા મળ્યો હતો. ખાસ કરીને અછતનો વર્તમાન કપરો કાળ અને તેને સંલગ્ન ઘાસ અને પાણીના પ્રશ્નો ઉપરાંત બેરોજગારી અને ઉધોગો દ્વારા ઉત્તરદાયિત્વ ન નિભાવવા જેવા સ્થાનિક પ્રશ્નો ઘણાઅંશે અસરકારક બનવાનો સૂર સાંભળવા મળ્યો હતો. સત્તાપક્ષ ભાજપ વિકાસના થયેલા કામો ઉપરાંત માજી ધારાસભ્ય તારાચંદભાઇ છેડાની કામગીરી અને વર્તમાન ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાની સક્રિયતા અને સમગ્ર કેસરિયા બ્રિગેડના ટીમવર્કને પક્ષ માટે ભાથું ગણાવી રહ્યો છે. જ્યારે હરીફ પક્ષ કોંગ્રેસ ભાજપની નિષ્ફળતા અને વિકાસનો લાભ સામાન્ય જન સુધી ન પંહોચવા સાથે અછતના મુદ્દાઓ આગળ ધરી તેનો પડઘો આ ચૂંટણીમાં પડવાની વાત  કરે છે. આગેવાનો કાર્યકરો સાથે ગુફતેગૂ સમગ્ર વિસ્તારના પરિભ્રમણ દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના આગેવાનો અને કાર્યકરો સાથેની મુલાકાત દરમ્યાન વિવિધ મુદ્દાઓ પેશ થયા હતા. ગઢશીશા વિસ્તારમાં પ્રવાસ વચ્ચે મળેલા તાલુકા પંચાયતની નાની વિરાણી બેઠક ઉપરથી ચૂંટાયેલા વિનેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપને તેનો આંતરકલહ વધુ નડશે. સાથેસાથે નલિયાકાંડ અને જયંતી ભાનુશાલી હત્યાકાંડ જેવા મામલા પણ કંઇક અંશે અસરકર્તા બની રહેશે. વિસ્તારના કોંગ્રેસી આગેવાનો રાજેશ વાસાણી, હાજી અદ્રેમાન ખલિફા, રઝાક દાઉદ રાયમા, વિપક્ષી નેતા કિશોરદાન ગઢવી સહિતના ચૂંટણીકાર્યને આગળ ધપાવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. બીજીબાજુ ગઢ વિસ્તારના રાજપર ગામના રહેવાસી અને તાલુકા ભાજપ અઘ્યક્ષ ચંદુભાઇ વાડિયા જણાવે છે કે, તારાચંદભાઇ,  વીરેન્દ્રાસિંહ તથા લોકસભા બેઠકના ઇન્ચાર્જ દિલીપભાઇ ત્રિવેદીના માર્ગદર્શન તળે પક્ષ એ જ ઢબે કામ કરી રહ્યો છે. મોદી ફેકટરને મુખ્ય મુદ્દો ગણાવતા તેમણે ગત વખતની 20 હજારની લીડ પાર કરી જવાનો વિશ્વાસ વ્યક્ત કરતા સવાયા પરિણામનો દાવો કર્યો હતો. આંતરિક જૂથવાદ અને વૈચારિક મતભેદ જેમને છે તેઓ પણ પક્ષ માટે કામ કરી રહ્યા હોવાનું જણાવતાં તેમણે સવાયું પરિણામ લાવવાનો દાવો કર્યો હતો. ભાજપની ટીમમાં બેઠકના ઇન્ચાર્જ રાજેન્દ્રાસિંહ (રાજુભા) જાડેજા ઉપરાંત માજી ધારાસભ્ય ધનજીભાઇ સેંઘાણી (મંગલડાડા), જિલ્લા ભાજપના મહામંત્રી અનિરૂઘ્ધભાઇ દવે, જિલ્લા કિસાન મોરચાના અગ્રણી બટુકાસિંહ જાડેજા, અગ્રણી કેશુભાઇ પારસિયા, સુનીલ ચોથાણી, કેશવજી રોશિયા, નારાણ ચૈહાણ, પરસોતમ વાસાણી, હરેશ રંગાણી, અનિલાસિંહ જાડેજા, ધર્મેન્દ્ર સોની વગેરે ચૂંટણી કાર્યવાહીમાં પ્રવૃત દેખાયા હતા. ક્ષારનું આક્રમણ, નર્મદાના નીર અને ગૌચર જમીન માંડવી ખાતે મળેલા મિંયાણા જમાતના પ્રમુખ અને શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલીમામદ રોહા સલાયા, રામેશ્વર ઝુંપડપટ્ટી અને સુખપર સુમરાવાસ જેવા લઘુમતી વિસ્તારમાં થયેલા નેત્રદીપક વિકાસકામોના સથવારે અલ્પસંખ્યક સમુદાયના મતમાં સારો ભાગ પડાવવામાં સફળ થવાનું કહ્યું હતું. તો માંડવી તાલુકા સરપંચ સંગઠનના અઘ્યક્ષ વરજાંગભાઇ ગઢવીએ ખાસ કરીને કાંઠાળ પટ્ટમાં વધતા ક્ષારના આક્રમણનો મુદ્દો છેડતા ચિંતાજનક હદે પંહોચેલી આ સ્થિતિને ડામવા આડબંધ બાંધવા સહિતના કાર્યોની અને નર્મદાના નીરની હિમાયત કરી હતી. હદ મૂકીને ખાનગી અને ગૌચર જમીન ઉપર વનતંત્રના બાવળના વાવેતરના મુદ્દાની પણ છણાવટ કરતા તેમણે રિસર્વે ઉપર ભાર મૂકયો હતો.  દરમ્યાન માંડવી શહેર ભાજપ અઘ્યક્ષ અરાવિંદભાઇ ગોહિલે એવું જણાવ્યું હતું કે, સમગ્ર ટીમ ભાજપ પક્ષના કાર્યક્રમો લોકો સુધી લઇ જઇ રહ્યા છે. મોદી ફેકટરના સથવારે ગત લોકસભા અને વિધાનસભાથી વધુ લીડ મળવાનો વિશ્વાસ તેમણે બતાવ્યો હતો. બેઠકના સહઇન્ચાર્જ ઉર્મિલાબેન પીઠડિયા, શહેર પ્રભારી રેખાબેન દવે અને તાલુકા એકમના પ્રભારી હિતેષભાઇ ખંડોર સાથે ખભેખભા મિલાવી કાર્ય થઇ રહ્યાનું તેમણે ઉમેર્યું હતું. જ્યારે માંડવી તાલુકા કોંગ્રેસના અધ્યક્ષ એડવોકેટ અને માંડવી બારના પ્રમુખ ખેરાજભાઇ ગઢવી બેરોજગારી અને ઘાસચારા સહિતના પ્રશ્નો ઉપરાંત નાયબ કલેકટરની કચેરીનું મુંદરા ખાતે સ્થળાંતર, એસ.ડી. કોર્ટના સિટિંગ મામલે લડત વગેરે અસરકર્તા થવાની વાત કરતા કુલ 172 બેઠક ઉપર કમસે કમ પાંચ હજારની લીડ મળવાનો દાવો કરતા કહે છે કે મોદી સહિત કોઇ ફેકટર કામ કરતું નથી. તો નારાજ લઘુમતી નેતાઓની પણ કોઇ જ અસર નથી. તેવું કહેતાં તેમણે એવો વાર કર્યો હતો કે, આવા નેતાઓ સક્રિય હતા ત્યારે પણ કયાં પક્ષને જીતાડી શકયા હતા. કોંગ્રેસની ટીમમાં પનાભાઇ રબારી, અરાવિંદાસિંહ જાડેજા, મોહન રામાણી, ચતુરાસિંહ જાડેજા, વિજયભાઇ ગઢવી વગેરે પ્રવૃત છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયાસિંહ જાડેજાએ લીડનો દાવો કરતા પક્ષનો ઢંઢેરો અને વિચારધાર ડોર -ટુ-ડોર લઇ જઇ પોતાની લીટી લાંબી કરવાની વાત કરતા મતદારોમાં સાયલેન્ટ ફીવર હોવાનું જણાવ્યું હતું. તો નર્મદાના નીર મામલે લડત ચલાવી રહેલા બિદડાના ખેડુત અગ્રણી મોહનભાઇ રામાણીએ ચૂંટણીમાં આ મુદ્દો અને લડત ઇફેક્ટીવ બનશે તેવું કહેતા ચૂંટણી બાદ લડત વધુ વેગવંતી બનાવવાની વાત કરી હતી. તેમણે સરકારની ઇચ્છાશકિત ન હોવાનો આરોપ પણ મૂકયો હતો.  ભુજપુર વિસ્તારમાં ખાસ કોઇ સ્થાનિક પ્રશ્નો નથી. અલબત મોદી ઇફેકટ જરૂર છે, તેવું શક્તિ કેન્દ્રના પ્રમુખ કિરીટ સોની જણાવી રહ્યા છે. આ વિસ્તારમાં જિલ્લા પંચાયતના સદસ્યા મનિષાબેન કેશવાણી, અગ્રણી મહેન્દ્ર ગઢવી, કીર્તિભાઇ ગોર, મેઘરાજ ગઢવી વગેરે બાગડોર સંભાળી રહ્યા છે. ભાજપને વચન નથી આપ્યા ભાજપે આપેલા વચનો નથી પાળ્યા તેવો વાર કરતાં મુંદરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગજેન્દ્રાસિંહ જાડેજાએ કહ્યું હતું કે બેરોજગારી, ઘાસચારો, ઉદ્યોગો દ્વારા ઉતરદાયિત્વનો અભાવ અને અમુક ગામોમાં પાણી ન મળવા જેવા સ્થાનિક પ્રશ્નો આજેય વિકરાળ છે. મુંદરામાં નગરપાલિકા અને માંડવીમાં જહાજવાડો કયાં બન્યો ? અને સિંચાઇ માટે તો ઠીક પીવા માટે પણ નર્મદાનાં નીર ન મળતાં હોવાના મુદ્દા ઉઠાવતાં તેમણે સરવાળે કોંગ્રેસને સરસાઇ મળવા દાવો કર્યો હતો. પક્ષની ટીમમાં કિશોરાસિંહ પરમાર, નવીન ફફલ, કમલેશ ગઢવી, મીઠુભાઇ મહેશ્વરી, ચંદુભા ઝાલા, કિશોર પિંગોલ અને નારાણભાઇ સોંધરા સહિતના આગેવાનો સક્રિય હોવાની માહિતી આપતાં તેમણે જૂથવાદ ન હોવાનું અને સંકલનથી કામ થતું હોવાનું જણાવ્યું હતું. પક્ષના સિનિયર આગેવાન માજી સભાપતિ કપિલ કેસરિયાએ મુંદરામાં સરવાળે કોંગ્રેસનો હાથ ઉપર રહેવા જણાવ્યું હતું. મુંદરા વિસ્તારના ખેડૂત આગેવાન વિરમ ગઢવીએ  કિસાનોને ર્સ્પશતા વિવિધ પ્રશ્નો કેન્દ્રમાં રાખી નદીઓ જોડવાની, દરેક ખેતરે અને સરહદે પાણી પહોંચાડવાની હિમાયત કરી હતી. તો ટ્રક-ડમ્પર એસો.ના પ્રમુખ માણશીંભાઇ ગઢવીએ મુંદરાના વિકાસમાં સરકારની ઓદ્યોગિક નીતિ નિમિત્ત હોવાનો સ્વીકાર કરતાં તેમના વ્યવસાયમાં સ્થાનિકોને મહત્તમ લાભ અને અગ્રહકકની માંગ કરી હતી. જિંદાલ કંપનીને સંલગ્ન પ્રશ્ન પાછો ઉપાડવાની પણ તેમણે તૈયારી બતાવી હતી.  ભાજપે કામ કરી બતાવ્યું છે મુંદરા તાલુકા ભાજપના અધ્યક્ષ વાલજીભાઇ ટાપરિયાએ એવું જણાવ્યું હતું કે વિકાસના કામોનું ભાથું, શિષ્તબદ્ધ કાર્યકરોની ફોજ સાથે વચનોની પૂર્તતા ભાજપ માટે ભાથું છે. બૂથ અને પેઝ મેનેજમેન્ટ સહિતની તૈયારીઓ વર્ણવતાં તેમણે વધુ લીડનો દાવો કરતાં કોંગ્રેસના કોઇ ઠેકાણા ન હોવાનું ઉમેર્યું હતું. પક્ષના આગેવાનો છાયાબેન ગઢવી, ભૂપેન મહેતા, વિશ્રામ ગઢવી, સરપંચ ધર્મેન્દ્ર જેશર, રાજુ ઠકકર (સત્યમ) વગેરે સંકલન કરી રહ્યા છે. તો મુંદરા નગરના ભાજપ પ્રમુખ પ્રણવ જોશી એવું કહે છે કે વિકાસના થયેલા કામોથી આ વખતે મુંદરા નગરમાં પણ લીડ મેળવાશે. નગરની ટીમમાં પ્રકાશ પાટીદાર, પ્રકાશ ઠકકર, સંજય ઠકકર, કનૈયા ગઢવી, તુષાર માલી વગેરે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. દરમ્યાન માંડવીના નગરપતિ મેહુલભાઇ શાહ મોદી ફેકટરને મુખ્ય મુદ્દો લેખાવતાં આરોગ્યલક્ષી યોજનાઓ થકી લઘુમતી મતદારોનો ઝોક વધ્યાનું કહેતાં થયેલા કામો તથા લોકભોગ્ય આવશ્યક વ્યવસ્થા મહત્ત્વની ગણાવી રહ્યા છે. તો એ.પી.એમ.સી.ના માજી ચેરમેન શિવજીભાઇ સંઘારે એવું કહ્યું હતું કે લોકો જાગૃત થઇ ભાજપ સરકારને પુન: સત્તારૂઢ કરવા થનગની રહ્યા હોવાનો માહોલ છે. જ્યારે માંડવી સુધરાઇના વિપક્ષી નેતા રફીક શેખએ ટીડીએસવાળું પાણીનો મુદ્દો ઉઠાવતાં વિકાસના કામો સમયસર પુરા ન થતાં હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer