વિકાસ સામે રાષ્ટ્રવિરોધી, જાતિવાદી અને કોમવાદી રાજનીતિ નહીં ટકે : વીરેન્દ્રાસિંહ

વિકાસ સામે રાષ્ટ્રવિરોધી,  જાતિવાદી અને  કોમવાદી  રાજનીતિ નહીં  ટકે : વીરેન્દ્રાસિંહ
કોંગ્રેસ દ્વારા અખત્યાર થતી રાષ્ટ્રવિરોધી, જાતિવાદી અને કોમવાદી રાજનીતિને મતદારો ઓળખી ગયા છે અને એટલે જ તેને જાકારો આપશે તેવું કહેતાં માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ વચ્ચે ભાજપની વિકાસની રાજનીતિ રંગ લાવશે અને મને મળી હતી તેનાથીયે વધુ મતની સરસાઇ પક્ષના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાને અપાવીશું. આગલી ટર્મમાં વિકાસના થયેલા અભૂતપૂર્વ કામો અને વર્તમાન ટર્મમાં પણ આ સિલસિલો જળવાઇ રહેવા સાથે પ્રાથમિક સુવિધા સહિતના વિકાસના ફળ છેક છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના મહત્તમ ફળ ખેડૂતો સહિતના તમામ વર્ગને મળ્યા છે. જે કેસરિયા પક્ષ માટે આ ચૂંટણી માટે મોટું ભાથું બની રહ્યું છે. પ્રચાર અંતર્ગત સમગ્ર વિસ્તારમાં ફરી વળનારા ધારાસભ્ય શ્રી જાડેજાએ કોંગ્રેસની રાજનીતિને રાષ્ટ્રવિરોધી, જાતિવાદી અને સ્વાર્થની ગણાવી આવી નીતિને લોકોએ જાકારો આપ્યો હોવાનું અને ભાજપની વિકાસની રાજનીતિને આવકાર આપ્યો હોવાનું કહ્યું હતું. સાથેસાથે ઓવરઓલ માહોલને કેન્દ્રમાં રાખીને પોતાને મળી હતી તેનાથી વધુ લીડની વિનોદભાઇને સરસાઇ અપાવવા વિશ્વાસ વ્યકત કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer