ગાંધીધામમાં ચૂંટણી ફરજ માટે રોકાયેલી 750 મહિલાઓને અપાઇ ખાસ તાલીમ

ગાંધીધામમાં ચૂંટણી ફરજ માટે રોકાયેલી  750 મહિલાઓને અપાઇ ખાસ તાલીમ
ગાંધીધામ, તા. 15 : શહેરના ઇફકો ઉદયનગરના હોલ ખાતે ચૂંટણી ફરજમાં જોડાયેલી 750 મહિલાઓને જુદી જુદી તાલીમ આપવામાં આવી હતી. ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મીઓએ બેલેટ પેપરથી મતદાન કરતાં બે દિવસ દરમ્યાન કુલ્લ 1109 મત પડયા હતા. શહેરના ઉદયનગર ખાતે ગાંધીધામ અને ભચાઉના ચૂંટણી ફરજમાં રોકાયેલી 750 મહિલાઓ માટે આજે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત જિલ્લા સમાહર્તા રેમ્યા મોહને મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી. સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ થાય તે માટે શરૂઆતથી અંત સુધી ટીમવર્ક સાથે કામે લાગી જવા તેમણે જણાવ્યું હતું. મામલતદાર ચિરાગ હિરવાણિયાએ ચૂંટણીલક્ષી જુદા જુદા સૂચનો કર્યા હતા. આ વેળાએ પ્રાંત અધિકારી ડો. વી. કે. જોશી તેમજ નાયબ કલેક્ટર એસ. એમ. કાંથડ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહિલાઓને સાઇન લેન્ગવેજની તાલીમ પણ આપવામાં આવી હતી. મનોજ લોઢાએ મહિલાઓને તાલીમ આપી હતી. દરમ્યાન વી.વી. પેટ તથા ઇ.વી.એમ.માં સિમ્બોલ લોડિંગ સહિતની પ્રક્રિયા પણ આટોપી લેવામાં આવી હતી. બીજીબાજુ આજે ચૂંટણી ફરજમાં રોકાયેલા હોમગાર્ડ, જી.આર.ડી., પોલીસ, પ્રિસાઇન્ડિંગ, ફર્સ્ટ પોલિંગ, પોલિંગ, ઝોનલ, સહાયક ઝોનલ, બી.એલ.ઓ. ડ્રાઇવર, પટ્ટાવાળા વગેરેએ મતદાન કરતાં 1109 લોકોના મત નોંધાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer