ઉત્તરપ્રદેશના માઇ ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનું સાક્ષી બન્યું મા આશાપુરાનું ધામ માતાના મઢ

ઉત્તરપ્રદેશના માઇ ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનું  સાક્ષી બન્યું મા આશાપુરાનું ધામ માતાના મઢ
માતાના મઢ, તા. 15 : દેશના અલગ અલગ રાજ્યોમાંથી કામધંધાર્થે કચ્છ સ્થાયી થયેલા ઉત્તરપ્રદેશના પરિવારો માટે મા આશાપુરાનું ધામ માતાના મઢ શ્રદ્ધા અને ભક્તિનું સ્થળ બન્યું છે. ઉત્તરપ્રદેશના ઝાંસી જિલ્લાના ટોડી ફતેપુર ગામના પરિવારો 2007થી મુંદરાના સમાઘોઘા ખાતે આવેલી જિંદાલ કંપનીમાં ફરજ બજાવે છે. આ પરિવારો કુશવાહ તેમજ પાલ જ્ઞાતિના છે. તેઓ ચૈત્રી નવરાત્રિના એકમના દિવસને તેમના ઘરે જવેરાની વાડી, માટીના પાત્રોમાં સ્થાપના કરી શક્તિની ઉપાસના કરી વ્રત રાખે છે અને માત્ર પ્રવાહીનું સેવન કરે છે, સાથે સાથે કંપનીમાં મજૂરીકામ પણ કરે છે. નવરાત્રિના નવે દિવસ આ કઠિન વ્રત રાખી રામનવમીના દિવસે વાડીમાં ઉગેલા જવારા માતાજીના મંદિરે જઇ પધરાવી વ્રત છોડે છે. આ વખતે આ પરિવારોએ આ જવારાની વાડી, માતાના મઢમાં આશાપુરાના મંદિરે પધરાવી નવરાત્રિના વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. ઉત્તરપ્રદેશના ઝાંસીના પાર્વતીબેન, તુલસાબેન, સાવિત્રીબેન, બબીતાબેન, નંદિતાબેન, મહેશકુમાર કુશવાહ, ભગવાનદાસ પાલ, વીરેન્દ્ર પાલ, મુકેશ?પાલ સહિતના લોકો વિકાસપુરમ કોલોની સમાઘોઘાથી સંઘ?લઇ માતાના મઢ ખાતે દર્શન કરવા આવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer