નાના-મધ્યમ કદના ઉદ્યોગો થકી રોજગાર વૃદ્ધિ

નાના-મધ્યમ કદના ઉદ્યોગો થકી રોજગાર વૃદ્ધિ
ભુજ, તા. 15 : મુંદરા વિભાગના ગામોમાં વિદ્યુતવેગી ગતિએ પ્રચારાર્થે લોકસંપર્ક કરતાં ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, નાના- મધ્યમ કદના ઉદ્યોગોને અનેક પ્રોત્સાહનજનક યોજનાઓના માધ્યમથી રોજગાર વૃદ્ધિના ઊંચા પરિણામ ભારત સરકારે પ્રાપ્ત કર્યાં છે. મુંદરા તાલુકાના રામાણિયા, વાંકી, નાના-મોટા કપાયા, સમાઘોઘા, મોટી ખાખર, કાંડાગરા, ભુજપુર અને મુંદરા-બારોઈ રોડ શો સહિતના લોકસંપર્ક કાર્યક્રમોમાં વિનોદભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના `આયુષ્માન ભારત'ની શરૂઆત કરી દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઉચ્ચ સારવાર, જીવનાવશ્યક સ્વસ્થતા લાખો- કરોડો લોકોને મળે તે માટેની યોજના અમલી બનાવી છે તેમ જણાવી કચ્છ માટેની કેન્દ્ર સરકારે આપેલી સવલતો વર્ણવી હતી. જ્યારે માજીમંત્રી અને પૂર્વ ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, દેશને એકતાના સૂત્રમાં પરોવનારા સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા `સ્ટેચ્યુ ઓફ યુનિટી' ગુજરાતમાં બનાવી દેશ અને દુનિયામાં ગુજરાતને લોકનાયક નરેન્દ્રભાઈ મોદી વિખ્યાતી અર્પી છે. તેવા ગુજરાતનાં સપૂતને ફરી નયા ભારત નિર્માણ માટે સુકાન સોંપવા ભાજપના `કમળ'ને મત આપી યુવા જાગૃત સંપર્ક કેળવનાર વિનોદભાઈને લીડથી વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો. 2001ના ભૂકંપમાં પડી ભાંગેલા કચ્છને ફરી બેઠું ધમધમતું કરવામાં ભાજપનું અને નરેન્દ્રભાઈ મોદીનું યોગદાન છે. લાખો લોકોને રોજગારી અને કચ્છની ખેવના રાખનારી સરકારને જંગી મતોથી વિજયી બનાવવા, શ્રી ચાવડાને ફરી આપણા સંસદીય પ્રતિનિધિ બનાવવા મુંદરા તાલુકાનાં અગ્રણીઓ અને માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ લોકોને અપીલ કરી હતી. આ પ્રવાસમાં વાલજીભાઈ ટાપરિયા, છાયાબેન ગઢવી, ધર્મેન્દ્ર જેસર, કુલદીપસિંહજી જાડેજા, નટુભા ચૌહાણ, રણજિતસિંહજી જાડેજા, મહેન્દ્રસિંહજી જાડેજા, શિવુભા જાડેજા, રાજેન્દ્રસિંહજી જાડેજા, કીર્તિ મારાજ, શક્તિસિંહજી જાડેજા, બળવંતસિંહ બાપુ, ક્રિષ્નાબા, રાસુભા બાપુ, બટુકસિંહજી જાડેજા, ડોસા સવા, ખેંગાર ગઢવી, દિગ્વિજયસિંહ ઝાલા જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer