કચ્છને અનેક લાભ મળ્યા : સાંસદ

કચ્છને અનેક લાભ મળ્યા : સાંસદ
ભુજ, તા. 15 : ગાંધીધામ, અંજાર લોકસંપર્ક દરમ્યાન ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે 2014માં નિર્વાચિત થતાં 1 માસમાં જ કચ્છના મુખ્ય મથક ભુજમાં સાંસદ લોક જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ કરી સપ્તાહમાં 1 દિવસ કાર્યાલયમાં ઉપસ્થિત રહી લેકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહ્યો છું. કચ્છના આર્થિક હબ ગાંધીધામમાં પણ સાંસદ લોક સંપર્ક કાર્યાલય કાર્યરત છે. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી થેલેસેમિયા, કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ગંભીર રોગોના ઓપરેશન, સારવાર માટે 47થી વધુ દર્દીઓને મદદ અપાવી છે. સ્વચ્છતા મિશન, અંતર્ગત લોકજાગૃતિ અને ડસ્ટબીન વિતરણ કરી મારી ફરજ બજાવી છે. સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર અનુરૂપ બની કાર્ય કરી સતત સંપર્ક સંવાદ વડે લોકો સાથે રહ્યો છું અને હજુ પણ રહીશ તેવો કોલ આપ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપના શાસનમાં કચ્છને ધ્યાનસ્થ રાખી કેન્દ્ર સરકારે ઘણી લાભદાયક યોજનાઓનો લાભ આપ્યો છે. સરકારની વિવિધ યોજના અંતર્ગત 4 અબજ જેટલી રકમના લાભો લાભાર્થીઓને મળ્યા છે. ગરીબ, મધ્યમ વર્ગ, વિકાસ વંચિત લાભાર્થીઓને પારદર્શી રીતે લાભો આપવામાં આવ્યા હોવાનું જણાવી ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી. ગાંધીધામમાં આંજણા પટેલ સમુદાય અને લોહાણા સમુદાયના આગેવાનો સાથે બેઠક કરી હતી. આદિપુર અને અંજારમાં ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન અને અંજારમાં સાંજે રામનવમી નિમિત્તે આયોજિત રવાડીમાં દર્શનનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં રાજ્યમંત્રી વાસણભાઇ આહીર અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ કચ્છમાં વિકાસ સાચા અર્થમાં ભાજપ સાશનમાં થયો હોવાનું જણાવ્યું હતું. ગાંધીધામ, અંજારના આગેવાનો હાજર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer