નારાજ લઘુમતી નેતાઓને કોંગ્રેસની ખાતરીનો મલમપટ્ટો

નારાજ લઘુમતી નેતાઓને કોંગ્રેસની ખાતરીનો મલમપટ્ટો
ભુજ, તા. 15 : કોંગ્રેસ દ્વારા લઘુમતી સમાજનો માત્ર ને માત્ર વોટબેન્ક તરીકે ઉપયોગ થતો હોવાનો અને દરેક વખતે બાદમાં આ સમાજને સાઇડટ્રેક કરી નાખવા સાથે જ્યારે જ્યારે આ સમુદાયનો વ્યકિત ચૂંટણીમાં ઉભે ત્યારે તેને હરાવવામાં આવતો હોવા સહિતની વ્યાપક ફરિયાદોનો આક્રોશભર્યો પડઘો ગઇકાલે સાંજે તાલુકાના ભારાપર ગામે મેરૂ ફાર્મમાં યોજાયેલી નારાજ મનાતા લઘુમતી આગેવાનોની બેઠકમાં પડાયો હતો. અલબત, કોંગ્રેસના ટોચના આગેવાન અને અખિલ ભારત કોંગ્રેસ સમિતિના સભ્ય કદીર પીરઝાદાએ આ મામલે પક્ષના સુપ્રીમો રાહુલ ગાંધીની હાજરીમાં નિરાકરણ લાવવાની ખાતરી આપતાં હાલતુરત નારાજગીના મુદ્દે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. બેઠકમાં હાજર આગેવાનો અને કાર્યકરોએ પક્ષની લઘુમતી સમુદાયના સભ્યો પરત્વેની નીતિરીતિ સામે સ્પષ્ટ નારાજગી વ્યકત કરતાં આ સમુદાયની વ્યકિત ચૂંટણીમાં ઊભા હોય ત્યારે તેને હરાવનારને જ હોદ્દા અપાતા હોવાનો આક્રોશ બતાવ્યો હતો. તો સમાજનો વોટબેન્ક તરીકે ઉપયોગ અને બાદમાં સાઇડટ્રેક કરી નાખવાની નીતિ સામે પણ નારાજગી વ્યકત કરાઇ હતી. બેઠકના આયોજક અને ભારાપરના મેરૂ ફાર્મના માલિક આદમભાઇ ચાકીએ 2012ની અમીરઅલીભાઇ લોઢિયાની ચૂંટણી વખતે બનેલા ઘટનાક્રમ વિશે યોગ્ય પગલાં ન લેવાતાં તેનું 2017માં પુનરાવર્તન થયાનું જણ.વી આ આક્રોશ સમગ્ર કચ્છના સમાજનો લેખાવાયો હતો. અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિના અધ્યક્ષ ઇબ્રાહીમભાઇ હાલેપોત્રાએ એવી આકરી પ્રતિક્રિયા આપી હતી કે ત્રીજો વિકલ્પ નથી જે મળ્યેથી જરૂર પડયે કોંગ્રેસની સામે હોઇશું. તો અગ્રણી હાજી જુમ્માભાઇ રાયમા દ્વારા ચોકકસ આગેવાનો સામે અંગુલિનિર્દેશ કરતાં દાખલાઓ સાથે રજૂઆત કરી હતી. પક્ષના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રાસિંહે તેઓ સમતોલ વ્યવહાર રાખી રહ્યા હોવાનું કહેતાં ન્યાયિક કામગીરીની ખાતરી આપી હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિસ્તારના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો ઇબ્રાહીમ મંધરા, તકીશા બાવા, ઇકબાલ મંધરા, હાસમ નોતિયાર, આમદ લાંઘાય, અનવર શેખ, ગની માંજોઠી, મુસા રાયશી, ઉમર સમા, રમજાન હાલેપોત્રા, ડાડા ફકીરમામદ, જુમ્મા રાયશી, ઇબ્રાહીમ કુંભાર, ફકીરમામદ કુંભાર, ગની કુંભાર, સાલેમામદ પડયાર, સીધીક કાઠી, હુશેન મંધરા વગેરે હાજર રહ્યા હતા. દરમ્યાન આ બેઠક વિશે શ્રી ચાકીનો સંપર્ક કરતાં તેમણે બેઠક યોજાયાની અને ખાતરીના પગલે હાલતુરત મામલો શાંત થયાને સમર્થન આપ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer