છેવાડાના ગામોના પ્રશ્નો ઉકેલવા ખાતરી

છેવાડાના ગામોના પ્રશ્નો ઉકેલવા ખાતરી
રાપર, તા. 15 : વાગડ વિસ્તારના છેવાડાના ગામો તેમજ દુર્ગમ વાંઢોનો કોંગ્રેસે લોકસંપર્ક કરી છેવાડાના એકે એક પ્રશ્નો પ્રત્યે તકેદારી રાખવાનું કોંગ્રેસે વચન આપ્યું હતું. આવા આકરા તાપમાં પણ ઊમટેલી પ્રજા જ મારી જીતનો વિશ્વાસ બુલંદ કરે છે તેવું સભાને સંબોધતાં કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઇ મહેશ્વરીએ જણાવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી પીડાતા આ દેશને બદલવાની આ તક છે. આ કિન્નાખોરી ભાજપ સરકારથી એકપણ સમાજ, વર્ગ કે સમુદાય સંતુષ્ટ નથી. દરેક જગ્યાએ વિરોધ જેવી સ્થિતિ છે. માટે નવા ભારતના નિર્માણરૂપે આગામી મતદાનના દિવસે કોંગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસને જંગી બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી હતી. આ પ્રવાસમાં સભાઓની સાથેસાથે કુડાજામપર, ખેંગારપર, સુવઇ, ગવરીપર, જેસડા, ત્રંબો, ધાડધ્રો, વજેપર, વાણોઇ, રવ, નંદાસર, સુદાણાવાંઢ, લાકડાવાંઢ સહિત ગામોનો પ્રવાસ કર્યો હતો. આ સમયે ક. જિ. પં.ના વિપક્ષી નેતા વી. કે. હુંબલે જણાવ્યું હતું કે, કચ્છના દુષ્કાળને ભૂલી રહેલી આ સરકારને કચ્છની જનતા કોઇ દિવસ નહીં ભૂલે તેમ કહ્યું હતું. ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ જણાવ્યું કે, હાલ દુષ્કાળમાં પાણીની વિકટ સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. વાગડ કોંગ્રેસના પીઢ આગેવાન ભચુભાઇ આરેઠિયાએ કાંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા દરેક વચન નિભાવ્યા હોવાનું કહ્યું હતું. રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બહાદુરસિંહ પરમાર, રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ મિતુલભાઇ મોરબિયા, ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળુભા જાડેજા, કચ્છ કોંગ્રેસના હોદ્દેદારો પ્રાણલાલ નામોરી, દાનાભાઇ બગડા સહિત દરેક ગામના આગેવાનો, સામાજિક આગેવાનો, સાધુ-સંતો-મહંતોએ હાજરી આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer