ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઓછો ખર્ચ બતાવતાં નોટિસ

ભુજ, તા. 15 : કચ્છ લોકસભાના મુખ્ય બંને રાજકીય પક્ષના ઉમેદવારોએ પોતાની ચૂંટણી ખર્ચના આપેલા હિસાબમાં સમાનતા નહીં જણાતાં ચૂંટણી તંત્રે નોટિસ પાઠવી કાલે મંગળવારે ખુલાસા માટે બોલાવ્યા છે. 4થી એપ્રિલે નામાંકન રજૂ કરી ચૂકેલા કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ 11 દિવસમાં માત્ર?રૂા. 1.75 લાખનો ખર્ચ બતાવ્યો છે તો ભાજપના વિનોદભાઇ ચાવડાએ રૂા. 19 લાખ ખર્ચ્યા છે. પ્રાપ્ત થયેલી વિગતોના આધારે કચ્છના નાયબ ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિનો સંપર્ક સાધતાં તેમણે હકીકતને સમર્થન આપી પ્રકાશ પાડયો હતો. તેમના જણાવ્યા પ્રમાણે ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચારસંહિતાને ધ્યાને લઇ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી હતી જેમાં ચૂંટણીને લગતા થતા તમામ ખર્ચના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જાહેર સભા હોય કે રેલી, મિટિંગો વગેરે દરમ્યાન ઉપયોગમાં લેવાતી સગવડો ખુરશી, ટેબલ, મંડપ, ભોજન, નાસ્તા ખર્ચ, વાહન ભાડાં વગેરેના દર બેઠકમાં નક્કી થયા છે, તેમ છતાં પણ ઉમેદવારોએ રજૂ કરેલા હિસાબમાં અનેક રીતે તફાવત એકાઉન્ટની ટીમે પકડી પાડયા છે. શ્રી પ્રજાપતિ કહે છે કે, દરેક પક્ષની સભા કે ચૂંટણીલક્ષી પ્રસંગોમાં ચૂંટણી તંત્રની વીડિયો સર્વેલન્સની ટીમ વીડિયો શૂટિંગ કરે છે. ફૂટેજને ચકાસવા વ્યુવીંગ ટીમ બારીકાઇથી નિરીક્ષણ કરે છે કે જે તે કાર્યક્રમમાં કેટલી ખુરશી હશે, મંડપની સાઇઝ પછી એ સમયે ભોજન કે નાસ્તો હતો તેના ભાવ વગેરે એકાઉન્ટ ટીમને આપવામાં આવે છે. વીડિયો ફૂટેજના આધારે ઉમેદવાર તરફથી અપાયેલા ખર્ચના રજિસ્ટર મિલાવવામાં આવે છે જેમાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના ખર્ચમાં મોટો તફાવત જોવા મળતાં તેમણે ખર્ચ વધુ કર્યો હોવા છતાં ઓછો દર્શાવ્યો હોવાનું તારણ નીકળ્યું છે. તેમણે વધુ વિગતો આપતાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ચાવડાએ રૂા. 4.17 લાખનો ઓછો ખર્ચ બતાવ્યો છે. એકાઉન્ટ વિભાગની ટીમે 33 નાની-મોટી વિગતો પકડી છે, જે રજિસ્ટરમાં નોંધી નથી. ચૂંટણી પંચના હિસાબ પ્રમાણે રૂા. 23.10 લાખનો ખર્ચ થયો હોવાનું બહાર આવ્યું છે જ્યારે રજૂ કરાયેલા હિસાબમાં રૂા. 19 લાખ?બતાવાયા છે. તો સામે કોંગ્રેસ પક્ષના શ્રી મહેશ્વરીના હિસાબમાં પણ ભારે વિસંગતતા સામે આવી છે. તેમણે રૂા. 1.75 લાખનો ખર્ચ કર્યો હોવાનું જણાવાયું છે. ચૂંટણીની ગણતરી જોતાં 11 દિવસ થઇ?ગયા છે અને હવે એક સપ્તાહ બાકી છે ત્યારે રૂા. 1.75 લાખના હિસાબ શંકા પ્રેરે તેવા હોવાનું જોવા મળ્યું હતું. તેમણે હિસાબમાં 39 પ્રસંગો એવા છે જે અમારી વીડિયો ટીમના ફૂટેજમાં જોવા મળે છે, સામે ઉમેદવારે દર્શાવ્યા જ નથી એ જોતાં તેમનો ખર્ચ?રૂા. 6.10 લાખે પહોંચે છે. રૂા. 4.35 લાખનો તફાવત સામે આવ્યો હોવાથી તેમને પણ નોટિસ મોકલવામાં આવી છે. બંને ઉમેદવારોને ખર્ચના હિસાબ પર નજર રાખવા આવેલા નિરીક્ષક સમક્ષ?ખુલાસો કરવા નોટિસ મોકલવામાં આવી છે. કાલે તા. 16/4ના જવાબ માગવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer