વાંકાનેરથી પગપાળા મોમાયમોરા દર્શને આવતી યુવતીનું ડમ્પર હડફેટે મોત

ગાંધીધામ, તા. 15 : રાપર અને ખીરઇ વચ્ચે પગપાળા મોમાયમોરા દર્શને આવતા વાંકાનેરના સંગીતાબેન નટવરલાલ પરમાર (ઉ. વ. 19) ડમ્પરની હડફેટે ચડતાં તેમનું મોત થયું હતું. બીજી બાજુ રાપરના જ જાટાવાડા નજીક બાઇક પાછળ બેઠેલા જવીબેન કેસા રાજી મૂછડિયા (ઉ. વ. 40) પડી જતાં આ મહિલાએ દમ તોડયો હતો. મોરબીના વાંકાનેરના પલાંસડી ગામમાં રહેનારા સંગીતાબેન પરમાર અને તેમના માતા અન્ય સંઘ સાથે તેમના ગામેથી પગપાળા નીકળ્યા હતા. આ સંઘ રાપરના મોમાયમોરા ખાતે માતાજીનાં દર્શને આવી રહ્યો હતો. આજે સવારે આ સંઘ રાપર અને ખીરઇ વચ્ચેથી પસાર થઇ રહ્યો હતો તે દરમ્યાન ધસમસતા આવતા અજાણ્યા ડમ્પરે સંગીતાને હડફેટમાં લેતાં આ યુવતીનું બનાવસ્થળે જ માતાની નજર સમક્ષ મોત થયું હતું. હિટ એન્ડ રનના આ બનાવમાં ડમ્પરચાલકને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી બાજુ જાટાવાડાના જવીબેન મૂછડિયા પોતાના દિયર દિનેશ નારાણના ઘરે ત્રંબૌ ગયા હતા. દિનેશ તથા તેમના ભાભી એવા જવીબેન ત્રંબૌથી રાપર અને રાપરથી જાટાવાડા બાઇક પર સવાર થઇને આવી રહ્યા હતા તે દરમ્યાન ગઇકાલે સાંજે ગામ નજીક જમ્પ આવતાં આ મહિલા બાઇક પરથી નીચે પટકાયાં હતાં જેમાં તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer