અંજારની 2.18 લાખની ચોરી અંગે એક મહિલાની ધરપકડ

ગાંધીધામ, તા. 15 : અંજારના માલા શેરી વિસ્તારમાં એક દુકાનમાંથી રૂા. 2,18,000ની મતાની ચોરીના પ્રકરણમાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી હતી. આ આધેડ મહિલા પાસેથી એક મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. અંજારમાં થોડા દિવસ અગાઉ વરસામેડીના એક મહિલા પોતાની કૌટુંબી બહેનો સાથે કપડાં લેવા આવ્યા હતા. આ ત્રણેય કપડાં જોઈ રહ્યા હતા તે દરમ્યાન તેમની પાસેની થેલી ચોરાઈ ગઈ હતી. આ થેલીમાં સોનાનું મંગલસૂત્ર, મોબાઈલ રોકડ રકમ વગેરે રૂા. 2,18,000ની મતા હતી જે બાદમાં એક આધેડ મહિલા લઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે એલ.સી.બી. એ તપાસ હાથ ધરી ગોંડલની હંસાબેન વિક્રમ કુંવરિયા નામની મહિલાને ઝડપી પાડી હતી. આ મહિલા પાસેથી ચોરીમાં ગયેલો રૂા. 5000નો એક મોબાઈલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ પકડાયેલી મહિલા અને મોબાઈલ અંજાર પોલીસના હવાલે કરાયા હતા. જેની આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer