સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ આવતી વિવિધ ગ્રાન્ટમાં કટકી કરાતી હોવાનો આક્ષેપ

ભુજ, તા. 15 : સમગ્ર રાજ્યમાં કરાર આધારિત કર્મચારીઓનું માળખું ધરાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર સંચાલિત સમગ્ર શિક્ષા અભિયાન યોજનામાં આવતી વિવિધ ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ ઊઠયો છે. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જેના જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા શિક્ષણાધિકારી સિવાયનો તમામ કરાર આધારિત સ્ટાફ ધરાવતા આ સમગ્ર શિક્ષા અભિયાન વિભાગ હેઠળ જિલ્લામાં કરોડોની ગ્રાન્ટ આવે છે. પરંતુ તેનો પૂરેપૂરો અને સાચો ઉપયોગ થતો ન હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. સૂત્રોના આક્ષેપ મુજબ સર્વશિક્ષા અભિયાન હેઠળ જિલ્લાના બી.આર.સી. સભ્યોને અંદાજે વાર્ષિક રૂા. 1 લાખ અને સી.આર.સી. સભ્યોને વાર્ષિક રૂા. પર હજાર જેટલી રકમ એમ.ટી.એ. અને કન્ટીજન્સી પેટે મળે છે. જેમાંથી તેઓને વિવિધ મિટિંગો ગોઠવવી, ચા-પાણી, નાસ્તો, જમવા, સ્ટેશનરી, સભ્યોના ટિકિટ ભાડાં સહિતનો ખર્ચ કરવાનો હોય છે. પરંતુ અમુક સભ્યો માત્ર ચા-પાણીથી પતાવી લે છે. આ ઉપરાંત આવા સભ્યો દ્વારા સરકાર દ્વારા બહાર પડાતા પરિપત્રોની નકલ, સ્ટેશનરી સહિતની વસ્તુઓ પણ ન આપતા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. આ મુદે્ ગત વર્ષે આવા ભ્રષ્ટ બી.આર., સી.આર.સી. સભ્યોને બદલી નાખવામાં આવ્યા હતા. પરંતુ તેના સ્થાને આવેલા નવા સભ્યો પણ એજ માર્ગે ચાલી રહ્યા છે. છેલ્લા દસ વર્ષ દરમ્યાન આવેલી તમામ ગ્રાન્ટના વપરાશની તટસ્થ તપાસ કરવામાં આવે તો મોટા પાયે ગેરરીતિ બહાર આવે તેવો મત સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ્લ 10 જેટલા બી.આર.સી. સભ્યો છે. જેમને કન્ટીજન્સી પેટે રૂા. 50 હજાર અને એમ.ટી.એ. (મિટિંગ, ટ્રાવેલિંગ એલાઉન્સ), પેટે રૂા. 30 હજાર ચૂકવાય છે. જેમાંથી બી.આર.સી. ભવનની જાળવણી ખર્ચ જેમાં લાઇટ બિલ, વિવિધ મિટિંગોના પરિપત્રોની ઝેરોક્ષ, ઇન્ટરનેટ, ટેલિફોન ભાડું, સફાઇ ખર્ચ, મિટિંગમાં આવતા સભ્યોના ટિકિટ ભાડાં, ચા-પાણી, નાસ્તા સહિતનો ખર્ચ કરવાનો હોય છે, તેવી જ રીતે જિલ્લાના 232 સી.આર.સી. સભ્યોને એમ.ટી.એ. પેટે રૂા. 10 હજાર અને કન્ટીજન્સી પેટે રૂા. 30 હજારની ગ્રાન્ટ અપાય છે, જેનો ખર્ચ પણ બી.આર.સી. સભ્યોના ખર્ચ મુજબ કરવાનો હોય છે. ભ્રષ્ટાચાર અંગે શ્રી પરમારે જણાવ્યું કે, ખોટી વાત છે. કેમકે વર્ષ દરમ્યાન અનેક બેઠકો, કાર્યક્રમો બી.આર.સી., સી.આર.સી. સભ્યોને કરવાના હોય છે. અમુક સભ્યો તો ગાંઠના ખર્ચતા હોય છે તેમ તેમાં માત્ર ચા-પાણી, નાસ્તો આપવાની વ્યવસ્થા હોય છે, જમવાની નહીં. બીજી તરફ આ યોજના હેઠળ ચાલતા કસ્તૂરબા ગાંધી વિદ્યાલયોમાં રહેતી છાત્રાઓને અપાતી સ્ટેશનરી, તેલ, સાબુ સહિતની સગવડોમાં પણ કટકી કરવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ જાણકારો કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer