સિનિયર સિટીઝનોના ઉત્કર્ષ માટે પાંચ માંગ સંદર્ભે મંત્રી સાથે હકારાત્મક ચર્ચા

ભુજ, તા. 13 : સિનિયર સિટીઝનોના ઉત્કર્ષ માટે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમાર સાથે સિનિયર સિટીઝન ફેડરેશનની તાજેતરમાં બેઠક યોજાઇ હતી જેમાં પાંચ માંગણીઓ સંદર્ભે હકારાત્મક ચર્ચા કરાઇ હતી એવું સિનિયર સિટીઝન કાઉન્સીલ કચ્છ દ્વારા જણાવાયું હતું. સિનિયર સિટીઝન કાઉન્સીલ કચ્છના પ્રમુખ વિજયસિંહ પુરોહિતે જણાવ્યું હતું કે ગત તા.22 જાન્યુ.ના મંત્રીશ્રી પરમારની ચેમ્બરમાં મળેલી બેઠકમાં સિનિયર સિટીઝન ફેડરેશન, (ગુજરાત પ્રદેશ, અમદાવાદના સભ્યો તેમજ અગ્રસચિવ મનોજ અગ્રવાલ, નાયબ સચિવ જે. વી. દેસાઇ, ઉપસચિવ ડી.સી. પટેલ, સમાજ સુરક્ષાના નિયામક જી.એન. નાચીયા, નાયબ નિયામક ની.જે. ત્રિવેદી, સેકસન ઓફિસર બી.જી. વણઝારા, સિનિયર કલાર્ક આર.બી. સોલંકી, સિનિયર સિટીઝન ફેડરેશન, અમદાવાદના પ્રમુખ કાન્તીલાલ એમ. પટેલ, પૂર્વપ્રમુખ રઘુભાઇ એચ. જોશી, મંત્રી અશોકભાઇ પી. દેસાઇ, ઉપપ્રમુખ મુકેશભાઇ જી. દેસાઇ, સહમંત્રી સૂર્યકાંતભાઇ રાવલે ચર્ચામાં ભાગ લીધો હતો. ફેડરેશનના સભ્યો દ્વારા જિલ્લાના અધિકારી દ્વારા બેઠક યોજવાનું સૂચન કરતાં દર ત્રણ મહિને જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીઓ દ્વારા મિટીંગનું આયોજન કરવા અંગે નક્કી કરાયું હતું. સિનિયર સિટીઝનોનું રાજ્ય કક્ષાનું સંમેલન રાખવાનું સૂચન કરાતાં મંત્રીશ્રી પરમારે સિનિયર સિટીઝનોનું સંમેલન રાખવા માટે તા. 9મી જૂન-2019 નક્કી કરી હતી. સિનિયર સિટીઝનો બેંકો, દવાખાના જેવી જગ્યાએ લાઇનમાં ઊભું રહેવું ન પડે તે માટે નિયામક દ્વારા પરિપત્ર કરવા માટે સૂચન કરાતાં જેની સંમતિ અપાઇ હતી. વૃદ્ધોને હાલમાં આપવામાં આવતા પેન્શનમાં વધારો કરવા સૂચન કરાતાં નવી સેવા રજૂ કરવાની સંમતિ અપાઇ હતી ઉપરાંત એસ.ટી. બસમાં મુસાફરી માટે 50 ટકા રાહત આપવા માટેનું સૂચન કરાતાં નિયામકે જણાવ્યું કે, વર્ષ 2017-18મા નવી બાબત રજુ કરી હતી. પરંતુ નામૂંજર થઇ હતી. જે ચાલુ વર્ષ નવી સેવા રજૂ કરવાની સંમતિ આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer