ગાંધીધામમાં થયેલી આધેડની હત્યા ત્રણ કિશોરે કરી : એક ઝડપાયો

ગાંધીધામ, તા. 15 : શહેરના ખોડિયારનગર નજીક એક મહિના અગાઉ થયેલી પરમહંસ રાજમંગળની હત્યાના બનાવમાં એક કિશોરની પોલીસે અટક કરી હતી. એકાદ મહિના અગાઉ પરમહંસ નામના આધેડ રમણ ચોરાહા ખોડિયારનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ શખ્સોને તેને માર મારતાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. હત્યાના આ બનાવ બાદ ત્રણેય શખ્સો બિહાર નાસી ગયા હતા. કાયદાના સંઘર્ષમાં આવેલો આ ત્રણ પૈકી એક કિશોર પરત આવતાં અને તેની બાતમી એલ.સી.બી.ને મળતાં તેને દબોચી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આ કિશોરે તથા અન્ય બે કિશોરોએ આ ગુનાને અંજામ આપ્યો હોવાની કેફિયત તેણે પોલીસ સમક્ષ આપી હતી. ગુનામાં વપરાયેલું બાઈક નંબર જી.જે. 12 સીએન 1594વાળું પોલીસે જપ્ત કર્યું હતું. આ બાઈક સુનીલ ધર્મેન્દ્ર ચતુર્વેદી પાસેથી કબ્જે લેવામાં આવ્યું હતું. પકડાયેલા આ કિશોર તથા બાઈક એ-ડિવિઝન પોલીસના હવાલે કરાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer